બનાસકાંઠા: બનાસકાંઠાએ વિસ્તારની દ્રષ્ટિએ રાજયમાં કચ્છ પછી બીજા નંબરના સૌથી મોટા જિલ્લા તરીકે જિલ્લો ગણાતો. આ જિલ્લાના વિભાજન માટે વર્ષોથી માંગ હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે જ નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કેવી પરિસ્થિતી સર્જાશે અને લોકોના શું મંતવ્ય છે તેના પર જુઓ અમારો આ અહેવાલ..!
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન
એકદમ અલગ જ ભૌગોલિક સ્થિતિ ધરાવતા બનાસકાંઠા જિલ્લાના પૂર્વથી પ્રશ્ચિમ છેડાના અંતરની વાત કરવામાં આવે તો, તે ૨૦૦ કિલોમીટર કરતાં પણ વધારે છે. એટ્લે કે જિલ્લાના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે ૨૦૦ કિલોમીટરનો પ્રવાસ કરવો પડે. બનાસકાંઠા જિલ્લાનું વડુ મથક એટ્લે પાલનપુર કે, જ્યાં તમામ રાજકીય કચેરીઓ આવેલી છે અને સરકારી કામ કાજ માટે સરહદી વિસ્તારમાં વસતા લોકોને લગભગ 150 કિલોમીટરનો પ્રવાસ કરીને પહોંચવું પડતું હતું અને તેના લીધે વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની માંગ ઉઠી રહી હતી. પરંતુ વર્ષોની આ માંગ આખરે વર્ષ 2025ના પ્રથમ દિવસે ગુજરાત સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે. હમણા સુધી બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ૧૪ તાલુકાઓ ધરાવતો હતો, એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો બનાસકાંઠા ગણાતો.
સરકારી કામો વહેલા અને ઓછા ખર્ચ-સમયમાં થશે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો લેવાયેલા આ નિર્ણયને લઈ સૌથી વધુ ખુશી અત્યારે સરહદી વિસ્તારના લોકોમાં જોવા મળી રહી છે. કારણ કે અત્યારસુધી થરાદ, સૂઈગામ, વાવ, ભાભર જેવા વિસ્તારના લોકોને પોતાના સરકારી કામકાજ માટે ૧૦૦ કિલોમીટર કરતાં પણ વધારે દૂર જવું પડતું હતું.જેથી સમયની સાથે સાથે નાણાંનો પણ ખર્ચ વધારે થતો હતો. જે હવે જિલ્લાના વિભાજન બાદ નહીં થાય. ઉપરાંત સરકારી કચેરીઓનું અંતર ઘટતા આ વિસ્તારમાં ધંધા અને રોજગારીની નવી તકો પણ ઉત્પન્ન થશે તેવો આશાવાદ સ્થાનિકો કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને પૂર્વમાં દાંતા તાલુકામાં આવેલા હડાદથી પ્રશ્ચિમમાં આવેલા વાવ તાલુકાના રાધાનેસડા ગામ વચ્ચે ૨૦૦ કિલોમીટર કરતાં પણ વધારે અંતર છે. તો બીજી તરફ જિલ્લા કક્ષાની તમામ સરકારી કચેરીઓ મિલો દૂર પાલનપુરમાં આવેલી હોવાના લીધે સરહદી વિસ્તારના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ચોક્કસ બનાસકાંઠા જિલ્લાના દૂર દૂરના ગામોનો અટકેલો વિકાસ ઝડપી થશે. -પ્રકાશભાઈ વ્યાસ, પ્રમુખ, વાવ તાલુકા ભાજપ સમિતિ
જિલ્લામાંથી વિરોધનો સૂર પણ ઉઠ્યો
બનાસકાંઠા જિલ્લાનું બે ભાગમાં વિભાજન થતા ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, આજે ગુરૂવારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારને વાવ-થરાદ નવા જિલ્લામાં સમાવેશ કરતા વેપારીઓ અને સ્થાનિક લોકો વિરોધ દર્શાવ્યો હતો અને વાવ થરાદ તાલુકામાં ન લેવા માટે પૂર્વ ધારાસભ્ય સહિત આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે વિભાજનને લઈ જણાવ્યું હતું કે, ધાનેરા વિસ્તારને જે વાવ થરાદ નવા જિલ્લામાં લેવામાં આવે છે તે નિર્ણય સરકારનો ખોટો છે. જે બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા હતું તે જ જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગ પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
નવા વર્ષ 2025ના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરી વાવ-થરાદ જીલ્લાને સત્તાવાર રીતે દરજ્જો આપવાની રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. સરહદી વિસ્તારના વાસીઓ લાંબા સમયથી જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે માંગનો આખરે અંત આવ્યો છે.
ઢીમા કે ટડાવ માંથી ગમે તે એકને તાલુકો બનાવવાની માંગ ઉઠી
આમ તો વિસ્તારની દ્રષ્ટીએ બનાસકાંઠા એ મોટો જીલ્લો હતો. જેમાં વાવ-થરાદ નવા જીલ્લાની જાહેરાત થતા જેમાં વાવ ,ભાભર , થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર, કાંકરેજ તાલુકાઓને સમાવી લેવામાં આવ્યા છે. પક્ષ-વિપક્ષ અને સ્થાનિકોએ કહ્યું હતું કે, સરહદી વિસ્તારના ગામોને કામ માટે દૂર દૂર ધક્કા થતા હતા. જિલ્લો માત્ર ૧૨ કિલોમીટરના અંતરે આવતા ખુશી વય્ક્ત કરી સરકારના નિર્ણયને વધાવ્યો હતો. જોકે બીજી બાજુ જિલ્લાની સાથોસાથ વાવ તાલુકાનું વિભાજન કરવાની જરૂર છે અને જેમાં ઢીમા કે ટડાવ બન્નેમાંથી એકને તાલુકો બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.