સુરત: સુરતમાંથી ફરી એકવાર નકલી ઘી બનાવતું કારખાનું ઝડપાયું છે. છેલ્લા 14 દિવસમાં નકલી ઘી બનાવતું આ બીજું કારખાનું ઝડપાયું છે. જિલ્લાના ઓલપાડ તાલુકામાં સ્ટેટ વિજિલન્સની ટીમે મોટી કાર્યવાહી કરતા નકલી ઘી બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. માસમા ગામની સીમમાં આવેલી GIDCમાં ચાલતા આ કારખાનામાંથી કુલ 1.17 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સુરતમાં નકલી ઘીનું કારખાનું (ETV Bharat Gujarat) 23 લાખનું નકલી ઘી
સ્ટેટ વિજિલન્સની ટીમને મળેલી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. કારખાનામાંથી 23 લાખ રૂપિયાનું નકલી ઘી ભરેલા 496 બોક્સ, ઉપરાંત 69.67 લાખની કિંમતનું રો-મટેરિયલ, 16.59 લાખની કિંમતની વિવિધ મશીનરી અને 7.55 લાખ રૂપિયાનું પેકિંગ મટેરિયલ મળી આવ્યું હતું. આમ કુલ 1.17 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
બે ભાઈઓની અટકાયત
પોલીસે આ કારખાનું ચલાવતા બે સગા ભાઈઓ રાકેશ ઈશ્વર ભરતિયા અને ભૂપેશ ઈશ્વર ભરતિયાની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં આ કારખાનું કેટલા સમયથી ચાલતું હતું અને કેટલું નકલી ઘી બજારમાં વેચાણ માટે મોકલવામાં આવ્યું હતું તે અંગેની વિગતો મેળવી રહી છે. ઉલ્લેખનીય છે કે ઓલપાડ તાલુકો નકલી ચીજવસ્તુઓનું કેન્દ્ર બની ગયો છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી નકલી દારૂ, વિમલ ગુટખા અને શેમ્પૂના કારખાના પકડાઈ ચૂક્યા છે. આ ઘટના બતાવે છે કે નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા આવા ગેરકાયદે ધંધાઓ સામે કડક કાર્યવાહીની જરૂર છે.
સુરતમાં નકલી ઘીનું કારખાનું (ETV Bharat Gujarat) અગાઉ કઠોર ગામમાંથી નકલી ઘી ઝડપાયું હતું
આ પહેલા 28 ડિસેમ્બરના રોજ પણ સુરતમાં કામરેજ પોલીસે કઠોર ગામમાં આવેલા માનસરોવર બિલ્ડીંગમાંથી નકલી ઘી બનાવીને સુમુલ ડેરીના પેકિંગમાં વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ત્યારે ફરી એકવાર આ પ્રકારે નકલી ઘી બનાવતું વધુ એક કારખાનું મળી આવ્યું છે.
આ પણ વાંચો:
- ખેડાના ગામનો વિચિત્ર બનાવ! ખાતેદારોના એકાઉન્ટ ધડાધડ ખાલી થઈ રહ્યા છે, બેંકે શું જવાબ આપ્યો?
- નહીં તો... હાથમાં પતંગ હશે'ને ઉંચકી જશે પોલીસઃ અમદાવાદ પોલીસનું ઉત્તરાયણનું જાહેરનામું જાણો