આણંદ: આણંદ જીલ્લાના વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નાવડી ઉંધી પડી જતા કરૂણાંતિકા સર્જાઈ હતી. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાના મોત થયા હતા. ઘટનાને લઈને આણંદ ફાયર વિભાગે મૃતકોને વાસદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા છે. જેના પગલે સામુહિક આરોગ્ય કેન્દ્રની બહાર લોકોના ટોળાં એકઠા થઈ ગયા ગતા.
માછીમારી કરવા નદીમાં ગયા હતા
વિગતો મુજબ, વાસદ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં પિતા-પુત્ર અને ભત્રીજો માછીમારી કરવા માટે ગયા હતા. દરમિયાન નાવડી પલટી જતા પુત્ર અને ભત્રીજો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેમને બચાવવા જતા પિતા પણ પાણીમાં ડૂબી ગયા હતા. આમ ત્રણેયના મોત નિપજ્યા હતા. એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સ્વજનોમાં કરુણ કલ્પાંત મચ્યો હતો. આણંદ ફાયર વિભાગની ટીમ દ્વારા નદીમાંથી નાવડીને બહાર કાઢવામાં આવી હતી.
નદીમાંથી ત્રણેયના મૃતદેહ બહાર કઢાયા
આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના હિમંત ભુરિયાએ જણાવ્યું હતું કે, વાસદ પોલીસ સ્ટેશનથી ફોન આવેલો કે વાસદ નદીમાં બોટ ઉંધી વળી ગઈ છે. જેમાં ત્રણ લોકો ડૂબી ગયેલા છે. તો અમે ફાયર બ્રિગેડની ટીમ 7 તરવૈયા અને બોટ સાથે પહોંચ્યાં હતા. બોટ અને ત્રણેય વ્યક્તિને બહાર કાઢ્યા હતા. ત્રણેયના મૃત્યુ થયેલા છે.
મૃતકના નામ
નગીનભાઈ ગામેચી - ઉંમર 42 (પિતા)
આયુષ નગીનભાઈ ગામેચી - ઉંમર 6 (પુત્ર)
મિહિર ગામેચી - ઉંમર 12 (ભત્રીજો)