જુનાગઢ: આગામી 16 મી ફેબ્રુઆરીના દિવસે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સામાન્ય મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ભાજપ દ્વારા જુનાગઢ મનપાના તમામ સંભવિત દાવેદારોને સાંભળવા માટે આજે સોમવારે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરીયા, પૂર્વપ્રધાન જયંતીભાઈ કવાડિયા અને રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે આગામી ચૂંટણી લડવા માગતા ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરી છે.
મનપાની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા
આગામી 16 મી ફેબ્રુઆરીના દિવસે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સામાન્ય ચૂંટણી માટેનું મતદાન યોજવામાં જઈ રહ્યું છે, ત્યારે ભાજપમાંથી ચૂંટણી લડવા માંગતા સંભવિત ઉમેદવારોને આજે સાંભળવા માટે શહેર ભાજપ કાર્યાલય ગિરનાર કમલમ પર મોટી સંખ્યામાં ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો આવ્યા હતા, જેને સાંભળવા માટે કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રધાન જયંતિભાઈ કવાડીયા અને રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે તમામ દાવેદારોને સાંભળ્યા હતા. હવે ત્રણેય નિરીક્ષકો શીલ બંધ કવરમાં તેમનો રિપોર્ટ પ્રદેશ ભાજપને સોંપશે અને જ્યારે ઉમેદવારોની જાહેરાત થશે ત્યારે આમાંથી ઉમેદવારોની પસંદગી થશે.
પ્રદેશ કારોબારી નક્કી કરશે તમામ નિર્ણય
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સંભવિત ઉમેદવારોની પસંદગીથી લઈને વર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ આપી કે નહીં તેમજ ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોના નામની જાહેરાતનો અંતિમ નિર્ણય પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવશે, તેવી વાત જૂનાગઢમાં નિરીક્ષક તરીકે નિમાયેલા પૂર્વ પ્રધાન જયંતીભાઈ કવાડિયાએ આજે માધ્યમમાં સમક્ષ કરી હતી.
વધુમાં નો રિપીટ થિયરીની જે વાત ચાલી રહી છે, તેમજ યુવા ઉમેદવારોને પસંદગીને લઈને પાર્ટી કઈ રીતે કામ કરશે તેવા સવાલના જવાબમાં પણ જેન્તીભાઈ કવાડિયાએ અંતિમ નિર્ણય પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો હશે અને તેમાં જે નિર્ણય થાય તે મુજબ જૂનાગઢ મનપા માટે પાર્ટીના કાર્યકરને ઉમેદવાર બનાવવામાં આવશે.