ગીર સોમનાથ: કોડીનાર તાલુકાના દુદાણા ગામનો ચૌહાણ પરિવાર આજે દેશ સેવાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. વર્ષ 2022માં એકનો એક પુત્ર ભારતીય એરફોર્સમાં શહીદ થતા ચૌહાણ પરિવાર સંતાન વિહોણો બની ગયો હતો. 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસે ફરી ચૌહાણ પરિવારમાં કિલકારીઓ ગુંઝી ઉઠી છે. IVF ટેકનોલોજીથી 49 વર્ષના કંચનબેન ચૌહાણે ટ્વીન્સ પુત્રને જન્મ આપ્યો છે. 2022 માં એક પુત્ર દેશ સેવામાં શહીદ થયા બાદ દેશભક્તિના રંગે રંગાયેલા પિતાએ જન્મ લીધેલા બે પુત્ર પૈકી એક પુત્રને ફરીથી સેનામાં મોકલવાની ખુમારી સાથે તૈયારી દર્શાવી છે.
દેશ સેવાની ખુમારીનું દ્રષ્ટાંત બનતું કોડીનારનું દુદાણા ગામ
દેશ એકબાજુ 76મું પ્રજાસત્તાક પર્વ મનાવી રહ્યું હતું, ત્યારે આ જ સમયે દેશ સેવાનું આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત કોડીનાર તાલુકાના નાના એવા દુદાણા ગામના ચૌહાણ પરિવારે પૂરું પાડ્યું છે. 50 વર્ષના પ્રતાપભાઈ અને કંચનબેન ચૌહાણના ઘરે IVF ટેકનોલોજીની મદદથી બે પુત્રનો જન્મ થયો છે. જન્મ લેનાર બે પુત્ર પૈકી એક પુત્રને પિતા પ્રતાપભાઈ ચૌહાણે ભારતીય સેનામાં મોકલવાની ખુમારી સાથેનો ઉત્તમ અને આદર્શ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. વર્ષ 2022 માં પ્રતાપભાઈ અને કંચનબેનનો એકમાત્ર સંતાન નીરવસિંહ ભારતીય સેનામાં દેશ સેવા કરતા શહીદ થતા પરિવાર પર વજ્રઘાત થયો હતો. પરંતુ પ્રજાસત્તાક પર્વના દિવસે જ ફરી માતા-પિતા બનનાર ચૌહાણ દંપતિએ જન્મેલા એક પુત્રને ફરી દેશ સેવા માટે ભારતીય સેનામાં મોકલવાનું ખૂબ જ અનુકરણીય દ્રષ્ટાંત ખુમારી સાથે પૂરું પાડ્યું છે.
2022 માં નીરવસિંહ ચૌહાણ થયા શહીદ
વર્ષ 2022માં ભારતીય એરફોર્સમાં સેવા આપતા કોડીનાર તાલુકાના દુદાણા ગામના નીરવસિંહ ચૌહાણ શહીદ થયા હતા. પરિવારનું એકમાત્ર સંતાન દેશ સેવામાં શહિદ થતા પરિવાર પર વજ્રઘાત આવી પડી હતી. આવા સમયે માતા-પિતાના પાછલા જીવનનો સહારો પણ છીનવાયો હતો. તે પ્રકારનું વાતાવરણ ચૌહાણ પરિવારમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ કોડીનારની આર.એન વાળા હોસ્પિટલમાં મહિલા તબીબ તરીકે કામ કરતા ડૉ. શ્વેતા વાળાએ 50 વર્ષના કંચનબેન ચૌહાણને IVF ટેકનોલોજી થકી ગર્ભ ધારણ કરાવીને ખૂબ જ સફળતા સાથે બે પુત્ર રત્નનો જન્મ થતા સમગ્ર કોડીનાર તાલુકામાં ભારે ખુશીની લાગણી ફેલાઈ છે.
પિતાએ પ્રજાસત્તાક દિને આપ્યું દેશ સવાનું દષ્ટાંત
શહીદ નીરવસિંહ ચૌહાણના પિતા પ્રતાપભાઈ ચૌહાણે પ્રજાસત્તાક પર્વ પર દેશ સેવા કઈ રીતે થઈ શકે તેનો એક નવો પથ ચિતર્યો છે. કોઈપણ પરિવારના એકના એક પુત્રનું ભારતીય સેનામાં દેશ સેવા કરતા કરતા શહીદ થાય ત્યારે કોઈ પણ પરિવાર ભાંગી જતો હોય છે. પરંતુ અડગ મનના ચૌહાણ પરિવારે ખૂબ જ ખુમારી સાથે આજે પ્રજાસત્તાક પર્વે વધુ એક પુત્રને ભારતીય સેનામાં દેશના માટે મોકલવાનો નિર્ણય કર્યો છે જેનો જન્મ પ્રજાસત્તાક દિવસે થયો છે.
આ પણ વાંચો: