અમદાવાદઃ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને આગોતરાં આયોજનો કરી લેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે, ખેડૂતો આગામી સમયમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ જોતા ખેડૂતોએ પાકના રક્ષણ માટે અગાઉથી જ તૈયારી કરી લેવી જોઈએ. તેમના કહેવા પ્રમાણે ખેડૂતો પોતાને થતા નુકસાનથી બચી શકે અને તેમનો પાક પણ બચાવી શકે જેથી તેમને આર્થિક ભારણ વધે નહીં.
તેમણે કહ્યું છે કે, આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારો થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તા. 30-31 જાન્યુઆરીએ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. જેના કારણે ગુજરાત-સૌરાષ્ટ્રમાં વાદળો રહેવાની સંભાવનાઓ છે. ઉપરાંત લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે, પરંતુ તા. 2, 3 અને 4માં હવામાન જોવા જઈએ તો માવઠું પડશે, ગાજવીજ થવી, ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં હિમવર્ષા, સખત પવનના તોફાનો થવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે, માવઠા અંગે જોવા જઈએ તો, લગભગ દ. ગુજરાતના ભાગો, ભાવનગર, સૌરાષ્ટ્ર, વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, કલોલ, પંચમહાલ, લીમખેડા, સાબરકાંઠા, મહેસાણા, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે. લગભગ ગુજરાતના મહદ ભાગોમાં માવઠું થવાની સંભાવના છે, ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે. ખેડૂતભાઈઓએ આગોતરું આયોજન કરવું હિતાવહ છે. આ કમોસમી વરસાદ છે. વિસમ હવામાનને લઈને પાક રક્ષણના પગલા લેવા જોઈએ.