અમદાવાદઃ અમરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયોને અમેરિકાથી આજે ભારત પરત લાવવામાં આવશે. ત્યારબાદ જે જે જિલ્લા કે શહેરના વતની છે તેને પોલીસ સત્તાવાળાઓને તેની તમામ માહિતી પહોંચાડવામાં આવશે.
ઉલ્લેખનીયએ કે, ગત 20 જાન્યુઆરીના અમેરિકાના 47 માં રાષ્ટ્રપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળ્યા પછી જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા તમામ ઈમીગ્રન્ટને પકડી પકડીને પોતાના દેશ પરત ધકેલી દેવાનો આદેશ કર્યો હતો. એટલે ત્યાં ગેરકાયદે રહેતા ભારતીયોને લઈ અમેરિકન એરફોર્સનું C-17 પ્લેન આજે પંજાબના અમૃતસર પહોંચશે. આ પ્લેનમાં લગભગ 33 ગુજરાતીઓ પણ આવી રહ્યા છે. તેઓને અમૃતસર લાવ્યા પછી અમૃતસરથી Indigo ની ફ્લાઈટમાં અમદાવાદ લાવવામાં આવશે. જેને પગલે અમદાવાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ આ વિમાનમાં 205 ગેરકાયદેસર ભારતીય ઈમીગ્રન્ટ છે જેમાં 140 ભારતીયો પંજાબના છે.
![205 ગેરકાયદે ઈમીગ્રન્ટ્સ ભારત આવી રહ્યા છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2025/23479656_x.jpg)