અમદાવાદ: ખત્રી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, આ અવસરે રાજ્યસભાના સાંસદ અને પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલોને શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે દરેક સમાજને ઓછા ખર્ચ સાથે સમુહ લગ્નમાં લગ્ન કરવાની અપીલ કરી હતી.
મુસ્લિમ સમુદાયમાં સમાજસેવા અને અનેક સામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ખત્રી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષ થી સમુહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને આ વર્ષે સતત ત્રીજા વર્ષે પણ ખત્રીબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 51 થી વધારે યુગલ લગ્નના તાંતણે બંધાયા હતા.
આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેલા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હું એકલો કોઈપણ માણસ મોટા થઈ જાય તેનું મહત્વ નથી, પરંતુ સમૂહમાં તે મળી જાય તો એનું મહત્વ વધી જાય છે, એટલે સમૂહ લગ્ન મધુરતા અને મીઠાશ આપે છે, એટલે જ ખત્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, એમને શુભેચ્છા પાઠવું છું. દુલ્હા-દુલ્હન માટે પણ અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહતાલા એમનું લગ્નજીવન ખુશીઓથી ભરી દે. પવિત્ર કુરાને શરીફમાં પણ નિકાહ ને પાક માનવામાં આવ્યું છે અને આ પાક સંબંધ હંમેશા સફળ રહે તેવી દુઆ કરીએ છીએ. તેમણે અપીલ કરી કે તમારા બાળકોને શિક્ષણ આપો એમને મોટા પદ સુધી પહોંચાડો.
આ સંદર્ભમાં ધારાસભ્ય શૈલેષ પરમાર જણાવ્યું હતું કે ખત્રી ગ્રુપ દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. તે કોરોના કાળથી અત્યાર સુધી ગરીબો, વંચિતો ,આર્થિક સહાયથી લઈ બાળકોને શિક્ષણ આપવા સુધીની મદદ કરે છે. આવા મોંઘવારીના સમયમાં ગરીબ માણસને પોતાના દીકરા-દીકરીને લગ્ન કરાવવા માટે બહુ જ મુશ્કેલી થાય છે, આ મુશ્કેલીને આસાન કરવા માટે આવી રીતે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે અમે એમને શુભકામના આપીએ છીએ.
આજે લગ્ન ખર્ચ બહુ જ મોંઘા થઈ ગયા છે, માતા-પિતાને આ ખર્ચો ઉઠાવવા માટે લોન કે કરજો લેવો પડે છે, આવા સંજોગોમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, ખત્રી ગ્રુપ ગરીબ દીકરીઓના મા-બાપ બનીને લગ્ન કરાવવા માટે આગળ આવે છે અને આજે 51 જેટલા વર વધુ હોય એ સમૂહ લગ્નમાં લગ્ન કર્યું એમને હું મુબારકબાદ આપું છું.
આ સમૂહ લગ્નનું આયોજન કરનાર હાજી ગુલામ મોહમ્મદ ખત્રીએ જણાવ્યું હતું કે, આજે 26 જાન્યુઆરી નિમિત્તે અમદાવાદના ખત્રી એસ્ટેટમાં અમે 51 સમૂહ લગ્નનું આયોજન કર્યું અમે સતત ત્રણ વર્ષથી સમુહ લગનનું આયોજન કરી રહ્યા છીએ, આ અવસરે કોંગ્રેસના અગ્રણી અને ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ હાજર રહ્યા એ અમારા સમાજ માટે ગર્વની વાત છે અમે લોકોની સમસ્યા અને મોંઘવારીના કારણે લગ્ન કરવામાં થઈ રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ સમૂહલગ્નનું આયોજન કર્યું છે જેમાં આખા ગુજરાતથી આવીને લગ્ન જીવનમાં બંધાયા હતા.