સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હવે પરીક્ષામાં ગેરરીતિ કરતા કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પકડાશે તો તેઓને બાકીની પરીક્ષા પણ આપવા દેવામાં આવશે નહીં. તે ઉપરાંત વિદ્યાર્થી કે વિદ્યાર્થીની વિરુદ્ધ MPECના નવા નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાશે તો થશે કાનૂની કાર્યવાહી:આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, 'જુલાઈમાં કોમન યુનિવર્સિટી એક્ટ હેઠળ નવા સ્ટેચ્યુટ જાહેર કરાયા હતા. જેમાં પરીક્ષામાં ગેરરિતી રોકવા માટે નવા MPEC એકટ બનાવી સજાની જોગવાઈ ચાર ગણી વધારી દેવાઈ હતી. જેનો અમલ નર્મદ યુનિવર્સિટીમાં બે મહિના પહેલા જ શરુ કરી દેવાયો હતો. જો કે પરીક્ષામાં સજાની જોગવાઈને લઈને યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તે મુજબ જો વિદ્યાર્થી પહેલી વખત પરીક્ષામાં ચોરી કરતા પકડાશે તો તેને આગામી પરીક્ષાઓ આપવા દેવામાં આવશે. પણ જો એજ વિદ્યાર્થી પરીક્ષામાં બીજી વખત ચોરી કરતા પકડાશે, તો તેને ત્યારબાદની કોઈ પણ પરીક્ષા આપવા દેવામાં આવશે નહી. તે ઉપરાંત MPECની સુનાવણી બાદ જ વિદ્યાર્થીએ દંડની રકમ ઓનલાઈન ભરવાની રહેશે. અને વિદ્યાર્થી જ્યાં સુધી દંડની રકમ નહી ભરે ત્યાં સુધી કોલેજ કે ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવશે નહી. અને ભવિષ્યમાં આ અંગે યુનિવર્સિટી દ્વારા કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.'
ઉલ્લેખનીય છે કે, નવા સ્ટેચ્યુટ પ્રમાણે વિદ્યાર્થી પરીક્ષામાં બીજી વખત ચોરી કરતા પકડાય તો શું કાર્યવાહી કરવી તે અંગે ઉલ્લેખ કરાયો નથી. જેને કારણે ગેરરિતી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ માટે સજાની જોગવાઈ અંગે સ્પષ્ટીકરણ કર્યું છે.