સુરત: સુરતના સચિન વિસ્તારના પાલીગામે ચાર બાળકીઓએ આઇસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીના મોત થયાની ઘટના સામે આવી છે. ચારે બાળકીઓએ રાત્રે આઈસ્ક્રીમ ખાધો હતો. આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકીઓને ઝાડા-ઉલ્ટી થયા હતા. ઝાડા ઉલટીમાં શંકાસ્પદ ત્રણ બાળકીના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું હતું. કુલ ચાર બાળકી સચિન પાલી ગામ ખાતે આવેલા કાલી મંદિર પાસે તાપણું કરી રહી હતી. આ દરમિયાન એકાએક તાપણાનો ધુમાડો શ્વાસમાં જતા બાળકીઓ બેભાન થઈ ઢળી પડી હતી. હાલ સમગ્ર મામલે સચિન જીઆઈડીસી પોલીસે પરિવારનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી બાજુ હાલ પોલીસે ત્રણે બાળકીઓની બોડીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસમોટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. હાલ પરિવારે આઇસ્ક્રીમ ખાધા બાદ ત્રણે બાળકીઓનું મોત થયું હોવાની આશંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો: પરિવારે જણાવ્યું હતુ કે, અમારા પરિવારની બાળકીઓ એક સાથે રેતીમાં રમી રહી હતી. ત્યારે તેઓએ ત્યાં આઇસ્ક્રીમ ખાધો હતો. બાદમાં તેઓ ઠંડી હોવાથી ત્યાં જ બાજુમાં કચરાનો ઢગલો હતો અને ત્યાં બાળકીઓ સાથે બસીને તાપણું કરી રહી હતી. અચાનક જ ચારે બાળકીઓને ઉલટીઓ થવા માંડી હતી. જેથી બાળકીઓને જોઈ અમે દોડી આવ્યા હતા. અમે તાત્કાલિક બાળકીઓની સારવાર નજીકની ખાનગી ક્લિનિકમાં કરાવી હતી. જ્યાં બાળકીઓને લઈ જતા તેઓ બેભાન થઈ ગઈ હતી. પરંતુ ખાનગી ક્લિનિકના ડોક્ટરે જોઈ, તપાસી અને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહીં સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબે બાળકીઓને જોઈ તપાસી તેમને મૃત જાહેર કરી હતી. ડોક્ટરે સમગ્ર બાબત પૂછતાં તેઓ તાત્કાલિક સચિન GIDC પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો.
ફૂડ પોઈઝનીંગથી બાળકીનું મોત: આ બનાવની જાણ થતા જ સુરત મેયર દક્ષેશ માવાણી નવી સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. તેઓ મૃતક બાળકીઓના પરિવાર સાથે પણ સંવાદ કર્યો હતો. બાળકીઓના મોત પાછળ અલગ-અલગ વાતો બહાર આવી હતી. જો આઇસ્ક્રીમ ખાવાથી બાળકીઓને ફૂડ પોઈઝનિંગ થયું હોય અને તેમનું મોત થયું હોય તો અન્ય લોકોનું પણ ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતા છે. પરંતુ પોસ્ટમોટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. તે ઉપરાંત જે કાંઈ જરૂર હશે તેવી મદદ કરવામાં આવશે.'