સુરત:સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા 3 પૈકી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. દરમ્યાન એક આરોપી શિવ શંકર ચૌરસિયાની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મિત્ર સાથે ઊભેલી સગીરા સાથે ગેંગરેપની ઘટના
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં સગીરા તેના મિત્ર સાથે ઉભી હતી. આ દરમ્યાન બાઈક પર ત્રણ ઈસમો આવ્યા હતા અને માર મારીને તેમજ ધમકીઓ આપી સગીરા પર ત્રણેય ઈસમોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને 3 પૈકી બે આરોપીઓને તડકેશ્વર ગામની હદમાં કાંકરાપાર નહેર પાસેથી ઝડપી પાડ્યા હતા.
આરોપી શિવશંકર ચૌરસિયાની તબિયત લથડી હતી
પોલીસે મુન્ના ઉર્ફે ખલબલી કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર લક્ષ્મણ ચોરસિયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં ફરાર ત્રીજા આરોપીને પણ પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. દરમ્યાન આજે આજે બપોર બાદ ત્રણમાના એક આરોપી એવા શિવશંકર ચૌરસિયાની તબિયત લથડતા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને તે વેન્ટીલેટર પર હતો દરમ્યાન તેનું મોત નીપજ્યું છે.