વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ 'સુદર્શન સેતુ' 900 કરોડના ખર્ચે સાકાર દેવભૂમિ દ્વારકાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક ડ્રીમ પ્રોજેક્ટ્સ પૈકી એક એટલે દ્વારકાનો 'સુદર્શન સેતુ' પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટનું લોકાર્પણ સ્વયં વડાપ્રધાન મોદી 25મીએ કરવાના છે. 'સુદર્શન સેતુ' પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં 900 કરોડથી વધુનો ખર્ચ થયો છે. કુલ 2.3 કિલોમીટર લંબાઈના બ્રિજમાં 2.45 કિમીનો એપ્રોચ રોડ અને પાર્કિંગની સુવિધા પણ છે. કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે.
25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકામાં 'સુદર્શન સેતુ'નું લોકાર્પણ કરશે અનેક પડકારોઃ દ્વારકા જિલ્લામાં કુલ 21 ટાપુઓ આવેલ છે. જેમાં બેટ દ્વારકા ટાપુ પર માનવ વસાહત છે. અહીં 12 હજારથી વધુની વસ્તી છે. બેટ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. આ ઉપરાંત હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજનું મંદિર પણ આવેલ છે. મકરધ્વજનું સમગ્ર વિશ્વમાં માત્ર એક મંદિર અહીં જોવા મળે છે. આ સ્થળે લાખો યાત્રિકો વર્ષોથી ફેરી બોટ મારફતે દર્શને આવતા હતા. નરેન્દ્ર મોદીએ અહીં અંદાજિત 900 કરોડના ખર્ચે બનનાર 'સુદર્શન સેતુ' પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. દરિયામાં આ બ્રિજ બનાવામાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. જો કે દરેક પડકારોને પાર કરીને હવે 'સુદર્શન સેતુ' પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે.
મોટી રાહતઃ ઓખા થી બેટ દ્વારકાને હવે આ બ્રિજ વાહન માર્ગે જોડી દેશે. જેનાથી બેટ દ્વારકામાં યાત્રિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થશે. અગાઉ ખરાબ હવામાનને કારણે ફેરી બોટ બંધ રાખવી પડતી હતી. તેમજ યાત્રિકો દર્શન કરવા જઈ નહોતા શકતા. આ બ્રિજ બનાવથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો છે.
4 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 25 ફેબ્રુઆરી 2024ના દિવસે જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું લોકાર્પણ થવાથી દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક અનેરી સુવિધાનો લાભ મળી રહેશે. દેવભૂમિ દ્વારકામાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ, રેલવે તેમજ પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય હસ્તકના 5 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
Sudarshan Bridge: દ્વારકાના સુદર્શન સેતુનો મનમોહક ડ્રોન વીડિયો જૂઓ