રાજકોટ:આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ કોંગ્રેસ પક્ષના બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવ્યા છે. જેને લઈને દેશભરમાં કોંગી નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે આ મામલે રાજકોટમાં પણ કોંગ્રેસ અને NSUIના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેરના કિસાનપરા ચોક ખાતે NSUIના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા હતા. જે દરમિયાન પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને ગાડીમાં બેસાડ્યા હતા અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર લોકશાહીનું ચિરહરણ કરી રહી છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર છે એવામાં કોઈ વિરોધ પક્ષના નેતાઓ તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવે, અથવા પ્રજાનો અવાજ સરકાર સમક્ષ રાખે ત્યારે ED CBI કે ઇન્કમટેક્સ સહિતની તપાસ એજન્સીઓને હાથો બનાવીને આ નેતાઓ અને તેની પાર્ટીઓને દબાવવાનું કામ વારંવાર કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે કોંગ્રેસ પાર્ટીના બેન્ક એકાઉન્ટને ફ્રીઝ કરીને આ સરકાર દ્વારા ઇન્કમટેક્સને હાથો બનાવીને લોકશાહીનું ચીરહરણ કરી રહી છે. જેના વિરોધમાં NSUI દ્વારા રોડ ઉપર ઉતરીને તેના વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.