ગાંધીનગર:ભારત સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલા મહાકુંભની ચર્ચા છે. સમગ્ર દેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ તેમજ અન્ય દેશોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ પહોંચી રહ્યા છે અને પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે. આ વચ્ચે હવે ગુજરાતમાં પણ એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવવા માટે જ નહીં, પરંતુ એક જ જન્મમાં, એક જ સ્થળે એકસાથે 51 શક્તિપીઠોની પરિક્રમા કરવા માટે આવશે. માઈભક્તોનો આ મહાકુંભ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત અંબાજી શક્તિપીઠ ખાતે યોજાશે, જે 51 શક્તિપીઠોમાંનું એક છે.
ભારતભરમાં યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ ગુજરાતના શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ખાતે ત્રણ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો 9 ફેબ્રુઆરીથી શુભારંભ થશે. 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં લાખો માઈભક્તો ઉમટશે. આ વર્ષે પણ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (GPYVB) તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
આ વર્ષે 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર વર્ષે માઈભક્તોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ગત વર્ષે આ મહોત્સવમાં આશરે 13 લાખ 15 હજાર શ્રદ્ધાળુઓએ 51 શક્તિપીઠોની પરિક્રમા કરી હતી, ત્યારે આ વર્ષે આ સંખ્યા 15 લાખને વટાવવાની શક્યતા છે.
એક જ જન્મમાં, એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શન
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ જણાવ્યું કે, અંબાજી ખાતે 51 શક્તિપીઠ મહોત્સવ દર વર્ષે મહા સુદ 12થી મહા સુદ 14 દરમિયાન યોજવામાં આવે છે અને તિથિ પ્રમાણે આ વર્ષે આ મહોત્સવ 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. GPYVB તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સહિત તમામ પ્રકારની સગવડો કરવામાં આવી છે. આ મહોત્સવનો મૂળમંત્ર છે “એક જ જન્મમાં, એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠોના દર્શન કરવાનો સુલભ્ય અવસર.”
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના કાર્યક્રમો
આ વર્ષે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે એટલે કે 9 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, ઘંટી યાત્રા તથા ધજા યાત્રા નીકળશે. આ ઉપરાંત, વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરૂઓના આશીર્વચન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, આનંદના ગરબા, વિવિધ મંડળો દ્વારા પરિક્રમા યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફૉરેસ્ટ, પોલીસ, આરોગ્ય વગેરે વિભાગો દ્વારા યાત્રા જેવા કાર્યક્રમો યોજાશે.
બીજા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ પાલખી યાત્રા, પાદુકા યાત્રા અને ચામર યાત્રા નીકળશે. આ દરમિયાન વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો/ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની અખંડ ધૂન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો તેમજ વિવિધ સમાજો દ્વારા પરિક્રમા યાત્રા, રાત્રિ પરિક્રમા દર્શન સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.