રાજકોટ: રાજકોટ શહેરમાં એક ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ એક કારખાનેદારને ડિજિટલ એરેસ્ટ કરીને 5.35 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટ શહેર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટ મામલે કારખાનેદારે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી પ્રવિણભાઈ ઉંધાડ જે ડીજિટલ અરેસ્ટનો ભોગ બન્યા હોય તેની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાયબર પોલીસે ટેક્નિકલ સોર્સના માધ્યમથી 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
કારખાનેદારે ડિજિટલ એરેસ્ટની ફરિયાદ નોંધાવી: આ અંગે DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ડિજિટલ એરેસ્ટ ફરિયાદમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ફરિયાદીની ફ્રોડની રકમ અજય કોસ્ટી નામના વ્યક્તિના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, અજય કોસ્ટીના એકાઉન્ટમાં આવતા પૈસાનું મેનેજમેન્ટ વિષ્ણુ નાઈ અને કુલદીપ જાટ કરતા હતા. આ લોકો રૂપિયા ઉપાડી તેને અન્યના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા. આ તપાસ દરમિયાન આર્થિક લાભ મેળવવા બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં અન્ય બે આરોપીના નામ પણ સામે આવ્યા છે. જેમાં એકનું નામ પ્રકાશ કોસ્ટી અને બીજાનું નામ અંકિત ચમાર હોવાનું સામે આવ્યું છે.
પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી: પોલીસે હાલ આ 5 આરોપીઓના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. તેમણે આગળ જણાવ્યું કે, આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ, પોલીસે આગળ તપાસ કરતા જાણવા મળ્યું કે, અજય કોસ્ટીનું IDFC બેન્કમાં જે એકાઉન્ટ છે. તે અન્ય 2 રાજ્યોમાં નોંધાયેલા સાયબર ફ્રોડમાં શામેલ છે. આ અંગે તેલંગણા અને તમિલનાડુમાં પણ ફરિયાદ નોંધાયેલી છે. આરોપી વિષ્ણુ નાઈનું IDFC બેન્ક એકાઉન્ટ તમિલનાડુમાં નોંધાયેલા ફ્રોડ કેસમાં શામેલ હોવાનું ખુલ્યું છે. જે અંગે ત્યાની પોલીસનો સંપર્ક કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓની તપાસ શરુ: પોલીસ દ્વારા હાલ આ 5 આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટ મોકલવામાં આવશે. જેમાં આરોપીઓ દ્વારા અન્ય કેટલા લોકો ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા છે. બીજા કેટલા લોકો સાથે સાયબર ફ્રોડ કર્યું છે, તેમની સાથે બીજા આરોપીઓ સંડોવાયેલા છે, ફ્રોડથી મેળવેલા પૈસા ક્યાં ટ્રાન્સફર કર્યા, કોને કોને પૈસા આપ્યા સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્ય આરોપી સુધી પહોંચવા માટે રિમાન્ડ દરમિયાન તપાસ હાથ ધરાશે.
આ પણ વાંચો: