વલસાડ: વાપી મહાનગર પાલિકાની જાહેરાત થયા બાદ વાપી નજીકમાં આવેલા 11 જેટલા ગામોનો મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ 11 ગામોના લોકોનો વિરોધ યથાવત છે. ગ્રામ પંચાયતમાં કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના ગામને સામેલ કરી દેવાયા હોય. ગ્રામજનોનો મહાનગર પાલિકામાં જોડાવવા માટે વિરોધને લઇ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજી પ્રાંત કચેરી પારડી ખાતે આવેદન આપવાનું નક્કી થયું હતું. જો કે, પાલિકાની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં હોવાથી પોલીસે તેમને રેલી સ્વરૂપે જતા અટકાવ્યા જે બાદ તમામ લોકો બ્રિજ નીચે બેસી ધરણા કર્યા હતા
11 ગામોના લોકો જોડાયા: વાપી મહાનગર પાલિકા જાહેર થયા બાદ તેમાં આસપાસના 11 ગામોને સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. જો કે, ગ્રામ પંચાયતને ભંગ કરીને પાલિકા વિસ્તારમાં સમાવી લેવાતા સ્થાનિકોનો ભારે વિરોધ જોવા મળ્યો છે. ગ્રામ પંચાયત કચેરીમાં પૂર્વ મંજૂરી અને ઠરાવ કર્યા વિના જ ગામોને સમાવી લેવામાં આવ્યા હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે સ્થાનિકો ઉગ્ર આંદોલનના મૂડમાં છે. ત્યારે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રેલી યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ધરણામાં મહિલાઓએ બંગડી ફોડી: વાપી મહાનગર પાલિકામાં 11 ગામોનો સમાવેશ કરવાના વિરોધમાં 11 ગામના લોકો રેલી સ્વરૂપે પ્રાંત અધિકારી નીરવ પટેલને આવેદન પત્ર આપવા માટે પારડી બ્રિજ નીચેથી નીકળી રહ્યા હતા. ત્યારે પારડી પોલીસ અને DYSPએ તેમને અટકાવીને ચૂંટણી અંગે આચાર સંહિતા હોવાથી રેલી યોજી શકાય નહી. એમ જણાવ્યું હતું. તો ધારાસભ્ય અનંત પટેલ સાથે આવેલા અનેક લોકો બ્રિજ નીચે બેસી ગયા હતા અને પ્રાંત કચેરીથી આવેદન લેવા કોઈને બોલાવવામાં આવે તેમ જણાવ્યું હતું. પરંતુ પ્રાંત કચેરીથી કોઈ ન આવતા આખરે તમામ લોકો પ્રાંત કચેરી એ પહોંચી કચેરી બહાર બેસી વિરોધ દર્શાવ્યો હતો. છતાં અધિકારી આવેદન લેવા માટે બહાર આવ્યા નહી. જેને પગલે મહિલાઓએ બંગડી ફોડી વિરોધ કર્યો અને આવેદન પત્ર પ્રાંત કચેરી દીવાલ ઉપર ચોંટાડી દેવાયું હતું, તેમજ આગામી દિવસોમાં વાપી મહાનગર પાલિકાને પણ ઘેરો કરવા માટેની તારીખ જાહેર કરી હતી.
![વાપી મહાનગર પાલિકામાં 11 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવતા 11 ગામના લોકોએ ધરણા કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/gj-vld-02-congressmakingdhranaprdrsanatpardi-avbb-gj10047_06022025184940_0602f_1738847980_1081.png)
પોલીસ કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા: પારડી ખાતે આવેલી પ્રાંત કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર આપવાની બાબતને લઈને પારડી પોલીસ દોડતી થઇ ગયી હતી. આવેદનપત્ર આપવા માટે આવેલા વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સેંકડો લોકો પારડી આવ્યા હતા. હાલમાં પારડી પાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે પારડી શહેરમાં આચાર સંહિતા પણ અમલમાં છે, તેમજ કલમ 144 અમલમાં હોય, તેથી પોલીસે તમામને રેલી પરવાનગી વગર ન યોજવા અપીલ કરી હતી. જે બાદ તમામ લોકો બ્રિજ નીચે રોડ ઉપર જ બેસી ગયા હતા અને વિરોધ કર્યો હતો.
![વાપી મહાનગર પાલિકામાં 11 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવતા 11 ગામના લોકોએ ધરણા કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/gj-vld-02-congressmakingdhranaprdrsanatpardi-avbb-gj10047_06022025184940_0602f_1738847980_534.png)
અધિકારી ન આવતા લોકો કચેરી પહોંચ્યા: બપોર સુધી વિરોધ કરતા લોકો પાસે કોઈ અધિકારી આવેદનપત્ર લેવા માટે ન આવતા આખરે અકળાયેલા લોકો પ્રાંત કચેરીએ પહોંચી ગયા હતા. જ્યાં કચેરીમાં માત્ર 5 વ્યક્તિને અંદર બોલવવામાં આવતા લોકો કહ્યું કે, 5 લોકો આવેદન આપવા આવ્યા નથી. બધા લોકો આવશે. તેથી તમામ લોકો અધિકારીને આવેદન લેવા માટે બહાર બોલાવ્યા પરંતુ અધિકારી બહાર ન આવ્યા. જેને પગલે ઉશ્કેરાઈ ગયેલી મહિલાઓએ પ્રાંત કચેરી બહાર બંગડી ફેંકી વિરોધ કર્યો હતો અને આવેદન પત્ર પ્રાંત કચેરી બહાર ચોંટાડી દીધું હતું.
મહાનગર પાલિકાનો વિરોધ કરાશે: વિરોધ કરવા માટે આવેલા 11 ગામોના લોકોએ કહ્યું કે, અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે, ત્યારે હવે વધુ ઉગ્ર અને જલદ આંદોલન કરવામાં આવશે. આગામી દિવસમાં વાપી મહાનગર પાલિકાનો ઘેરાવો કરી વિરોધ જારી રાખવામાં આવશે. જેથી 11 ગામનો લોકોને તેમનો હક્ક અને અધિકાર અને ન્યાય મળી શકે. આમ પારડી ખાતે વાપી નજીક આવેલા 11 ગામના લોકો વિરોધ પ્રદર્શન સાથે પ્રાંત કચેરી ઉપર આવેદન પત્ર ચોંટાડી ગયા હતા.
આ પણ વાંચો: