વોશિંગ્ટન : આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. જોકે, આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને એક મોટી ચેતવણી આપી છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, જો હમાસ શનિવારે મધ્યરાત્રિ સુધીમાં બાકીના બંધકોને મુક્ત નહીં કરે તો 'બધું બરબાદ થઈ જશે'.
ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ : તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. આ દરમિયાન હમાસ ઈઝરાયેલના બંધકોને મુક્ત કરી રહ્યું છે. ટ્રમ્પની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે હમાસે ઈઝરાયલ પર સતત યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે અને તે બંધકોને છોડવામાં રોકી શકે છે.
US પ્રમુખ ટ્રમ્પે આપી હમાસને ખુલ્લી ચેતવણી...
તમને જણાવી દઈએ કે, ઓવલ ઓફિસમાં આયોજિત પ્રેસ બ્રીફિંગમાં પ્રમુખ ટ્રમ્પે જો હમાસ તેના વચન પૂરા નહીં કરે તો જવાબી કાર્યવાહી અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, હમાસને ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું. 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા 251 લોકોમાંથી 73 હજુ પણ તેમની કસ્ટડીમાં છે. ઇઝરાયલે તેમાંથી 34 ને મૃત જાહેર કર્યા છે.
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ગાઝામાં બંધક બનાવવામાં આવેલા તમામ 73 લોકોને કોઈપણ સંજોગોમાં શનિવાર સુધીમાં મુક્ત કરી દેવામાં આવે. જો આમ નહીં થાય તો હમાસને ખતમ કરવાની દરખાસ્ત કરવામાં આવશે.
હમાસ પર યુદ્ધવિરામ ભંગનો આરોપ : યુદ્ધવિરામ અનુસાર, હમાસને શનિવાર સુધીમાં પેલેસ્ટિનિયન કેદીઓ અને અટકાયતીઓના બદલામાં બંધકોને મુક્ત કરવાની અપેક્ષા હતી. જ્યારે આવું ન થયું ત્યારે ઈઝરાયેલના રક્ષામંત્રી ઈઝરાયેલ કાટઝે કડક વલણ અપનાવતા કહ્યું કે, હમાસે યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ સાથે કડક પગલાં ભરવા માટે કહેવામાં આવ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ એક બેઠક બોલાવી છે.