કચ્છઃ કચ્છમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જેમાં વાગડ વિસ્તારની રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો પૈસા વહેચતા હોવાનો આરોપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા કોગ્રેસ ઉપરાંત કોગ્રેસ આગેવાનોએ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રીએ વીડિયો સાથે આક્ષેપ કરવામાં આવ્યા છે. તો જિલ્લા ચૂંટણી અધિકારીને પણ પત્ર લખીને આચારસંહિતા ભંગ બદલ કડક કાર્યવાહી કરવા રજૂઆતો કરવામાં આવી છે.
મતદારોને ખરીદવા ખુલ્લેઆમ પૈસા વેચતા ભાજપના આગેવાનોનો વીડિયો વાયરલ
કચ્છ જિલ્લા કોંગ્રેસની એક યાદીમાં જણાવ્યા મુજબ રાપર નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોને ખરીદવા ખુલ્લેઆમ પૈસા વેચતા ભાજપના આગેવાનો સામે તથા અમૂલના વાઇસ ચેરમેન વલમજી હુંબલ સામે આચારસંહિતા ભંગ બદલ કડક કાર્યવાહી કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા વિવિધ આક્ષેપો સાથે કરાઈ ફરિયાદ
રાપર નગરપાલિકા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ખુલ્લેઆમ મતદારો ખરીદી અને પૈસા વહેંચી રહેલાના વીડિયો સહિતની કોંગ્રેસપક્ષે રજૂઆત કરેલી તે અનુસંધાને આચારસંહિતા ભંગ બદલ કડક કાર્યવાહી થવા તથા અમૂલના વાઇસ ચેરમેન વલમજી હુંબલ દ્વારા વોર્ડ નં 4ના ઉમેદવારને એજન્સી રદ કરવા ધાકધમકી અને ટોર્ચર કરી અને કોંગ્રેસના સમર્થનમાં ખસી જવા દબાણ કરાતા આ બંને આગેવાનો સામે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી વી કે હુંબલ, કાર્યાલય મંત્રી ધીરજ ગરવા દ્વારા રાજ્ય ચૂંટણી પંચ ગાંધીનગર, કચ્છ કલેકટર તથા આચારસંહિતા જિલ્લા નોડલ અધિકારી અને ડીઆરડીએના નિયામકને વિગતવાર લેખિત રજૂઆત કરી છે. સાથેે ત્વરિત કડકમાં કડક કાર્યવાહી કરવા વિગતો લેખિતમાં રજૂઆત કરી છે.
પ્રત્યેક મતદીઠ 500 નોટ વિતરણ કરી આદર્શ આચારસંહિતાનો ભંગ
હાલમાં રાપર નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોસમાં છે. તેવા સંજોગોમાં ભાજપના વોર્ડ નંબર 1ના ઉમેદવારોની પેનલના સમર્થનમાં સ્થાનિક આગેવાન વાઘજીભાઈ મૂંઝાત દ્વારા વોર્ડ નંબર 1ના રતનપરા વિસ્તારમાં પ્રત્યેક મતદીઠ 500 એમ પરિવારના 5 સભ્યોદીઠ ખુલેઆમ રકમની ચલણી 2500ની નોટો વિતરણ કરી અને આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યાના આક્ષેપ અને વીડિયો ફૂટેજ સાથે સામેલ રાખી અને કોંગ્રેસે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે. જોકે ETV ભારત આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
જો યોગ્ય નહીં કરાય તો આ મામલે નામદાર કોર્ટમાં કોંગ્રેસ પક્ષ જશે
લેખિત ફરિયાદમાં એવો પણ આરોપ લગાવાયો છે કે, ઉપરાંત ભાજપના જિલ્લા કક્ષાના નેતા અને બિનરાજકીય સહકારી સંસ્થાના અમૂલના વાઇસ ચેરમેન વલમજી હુંબલ દ્વારા અમૂલ પાર્લર ચલાવતા જાગૃતિબેન વોર્ડ 4 ના ઉમેદવારના પતિ મુકેશપુરી ગોસ્વામીને કોંગ્રેસમાંથી ખસી જવા નહીંતર અમૂલ પાર્લર છીનવી લેવામાં આવશે એવી ધાકધમકી ટોર્ચર કરી પરિણામે ઉમેદવાર ખસી ગયેલા. જે સંબંધે વાલમજી હુંબલ સામે બિનરાજકીય સંસ્થાના હોદ્દેદાર છતાં રાજકીય પક્ષાપક્ષી કરી સહકારી ક્ષેત્રને કલંકિત કરી સહકારી કાયદાનો ભંગ કરી અને ચૂંટણી વ્યવસ્થાને ખોરવી બંધારણ વિરુદ્ધ કૃત્ય કરેલું છે. આ બંને આગેવાનોની સામે આદર્શ આચારસંહિતાની ફરિયાદ કરવા કોંગ્રેસ પક્ષે ઉગ્ર રજૂઆત કરી છે. જો યોગ્ય નહીં કરાય તો આ મામલે નામદાર કોર્ટમાં કોંગ્રેસ પક્ષ જશે અને આવા બંધારણ વિરોધીઓને સબક શીખવશે એવું જણાવાયું છે.
આમ આદમી પાર્ટીએ પણ કરી રજૂઆત
બીજી બાજુ આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સંજય બાપટે પણ આદર્શ આચારસંહિતા ભંગ કરનારા રાપર નગરપાલિકા વિસ્તારના આગેવાનો પર કાયદેસર કાર્યવાહી કરવા માટે કલેકટરને ફરિયાદ કરી છે અને વીડિયો મોકલીને જણાવ્યું છે કે, આ વીડિયો રાપર નગરપાલિકા ના વોર્ડ નંબર 1 વિસ્તારનો છે જ્યાં ભાજપના આગેવાનો દ્વારા ભારતીય ચલણની 500 રૂપિયાની નોટોનું વિતરણ કરી મતદારોને પ્રલોભન આપી મત ખરીદવામાં આવી રહ્યા છે અને આદર્શ આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. આથી ભાજપના આગેવાનો તેમજ ઉમેદવારો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માગ છે.