તાપી: એક સમયે શિક્ષક બનવા માંગતી મહિલા હવે વન વિભાગનાં રેસ્કયુ સેન્ટરમાં લાવવામાં આવતા હિંસક દીપડાઓને ઇલોક્ટ્રોનિક ચીપ મૂકવાનું કાર્ય કરે છે. તાપી જિલ્લાના ઘાઢ જંગલોમાં માત્ર લાકડીના સહારે ફરતી આ જાંબાઝ મહિલા આદિવાસી પરિવારની છે. જિલ્લામાં 2022 બાદ પકડાયેલ દીપડાઓ પૈકી 70 ટકા દીપડાઓમાં આ મહિલા વન કર્મી ચીપ મુકી ચૂકી છે.
શિક્ષક બનવું હતું અને બિટગાર્ડ બની ગયા
તાપી જિલ્લામાં વન વિભાગમાં સોનગઢ રેન્જમાં બિટગાર્ડ તરીકે ફરજ બજાવતા દર્શના ચૌધરીને કોલેજના ઉચ્ચ અભ્યાસ બાદ ટીચર બનવું હતું. પરંતુ સમય સંજોગોના કારણે 2017માં તેઓ ફોરેસ્ટ વિભાગમાં પસંદગી પામ્યા હતા. 2019માં તેમની બદલી ફોર્ટ સોનગઢમાં થઈ, અને 2022 માં સોનગઢ રેન્જમાં આવતા રેસ્ક્યુ સેન્ટરની જવાબદારી પણ તેમના માથે આવી. શરૂઆતમાં આ સેન્ટર ખાતે જ્યારે જિલ્લામાં પકડાયેલા દીપડાઓને લાવવામાં આવતા ત્યારે તેમને ડર લાગતો હતો. પરંતુ સમય જતાં તેની બીક ધીમે ધીમે દૂર થવા લાગી હતી. વન વિભાગ દ્વારા દીપડાઓની વસ્તી ગણતરી અને તેની હિલચાલ પર નજર રાખવા માટેની ઈલેક્ટ્રોનિક ચીપને પકડાયેલ દીપડાઓમાં મુકવાની શરૂઆત કરી હતી.
![દીપડાને ચીપ મૂકતા દર્શના ચૌધરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-tapi-rural-01-forester-women-video-photo-avbb-10082_11022025163838_1102f_1739272118_247.jpg)
દીપડો જોઈને શરૂઆતમાં બીક લાગતી
ચીપ મૂકવાની શરૂઆતમાં સોનગઢના રેસ્ક્યુ સેન્ટર ખાતે પુરુષ વનકર્મી દ્વારા દીપડાઓને ઈલેક્ટ્રોનિક ચીપ મુકવામાં આવતી હતી, થોડા સમય બાદ આ ઈલેક્ટ્રોનિક ચીપ મુકતા પુરુષ વનકર્મીની અન્ય જગ્યા પર બદલી થઈ જતા આ જવાબદારી દર્શનાબેન પર આવી પડી. દીપડાની સામાન્ય દહાડથી ગભરાતા દર્શનાબેનને આ કાર્ય કરવાની હિંમત તેમના પતિ અને સ્ટાફ દ્વારા અપાઈ, અને આજે જ્યારે પણ આ વિસ્તારમાં દીપડા પકડાય એટલે બીટગાર્ડ દર્શનાબેનને યાદ કરવામાં આવે છે. જેઓ આવીને ગણતરીની મિનિટોમાં ખુંખાર દીપડાને ચિપ મૂકી દે છે. તેમનું માનવું છે કે કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે, તેમણે વધુમાં જણાવ્યું કે, પોતાની અંદર રહેલી બીકને દૂર કરીને હિંમતભેર કાર્ય કરવામાં આવે તો તે કાર્ય ચોક્કસ સરળ અને સફળ થઈ જાય છે.
![દીપડાને ચીપ મૂકતા દર્શના ચૌધરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-tapi-rural-01-forester-women-video-photo-avbb-10082_11022025163838_1102f_1739272118_782.jpg)
તાપી જિલ્લા વન વિભાગના સોનગઢ રેન્જમાં ફરજ બજાવતા બિટગાર્ડ દર્શના ચૌધરીએ જણાવ્યું હતું કે, મારું સપનું શિક્ષક બનવાનું હતું, પરંતુ જે તે સમયગાળામાં વન વિભાગમાં ભરતી પ્રક્રિયા થઈ રહી હતી. જેમાં મે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર અપ્લાય કર્યું, અને એની લેખિત તથા ફિઝિકલ પરીક્ષા મેં પાસ કરી. મને એવું હતું કે મારે આ જોબ ન લેવી જોઈએ, પરંતુ મારા પરિવારથી પણ સાથ સહકાર રહ્યો કે આજના સમયમાં સરકારી નોકરી મળવી ખૂબ મુશ્કેલ છે તો આ નોકરીને માટે સ્વીકારી લેવી જોઈએ, અને ત્યાર બાદ મેં આ નોકરી સંભાળી લીધી.
![એક સમયે દીપડો જોઈને ડર લાગતો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-tapi-rural-01-forester-women-video-photo-avbb-10082_11022025163838_1102f_1739272118_934.jpg)
42 દીપડાઓમાં ચીપ ઈન્સ્ટોલ કરી છે
તેમણે કહ્યું કે, 2021ની અંદર અહીં રેસ્ક્યું સેન્ટર બન્યું. તે ગાળા દરમિયાન બે વર્ષ સુધી મેં દિપડાઓમાં ચીપ ઇન્સ્ટોલ કરતા જોઈ. અને શરૂઆતના તબક્કામાં દીપડાઓને હું જોતી તો મને ખૂબ જ ડર લાગતો હતો, પરંતુ ધીરે ધીરે એ ડર પણ ઓછો થતો ગયો. તે દરમિયાન મેં 2022થી મેં આ કામ સંભાળ્યું. અને હાલ સુધીમાં 68 દીપડાઓ આવેલા છે અને તે પૈકી મેં 42 દીપડાઓને ચીપ ઇન્સ્ટોલ કરી છે. ચીપ મૂકવાનો મુખ્ય હેતુ એ છે કે દીપડાઓની વસ્તી ગણતરી થઈ શકે. અને તેની જે નિશ્ચિત કરેલી જગ્યા છે ત્યાં એ પાછો પહોંચી જતો હોય છે.
![દર્શના ચૌધરી 42 દીપડાઓને ચીપ મૂકી ચૂક્યા છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-tapi-rural-01-forester-women-video-photo-avbb-10082_11022025163838_1102f_1739272118_414.jpg)
દીપડાની ગણતરી માટે ચીપ મૂકવી જરૂરી
તાપી જિલ્લાના વન અધિક્ષક પુનિત નૈયરે જણાવ્યું હતું કે, 4 વર્ષોમાં જેટલા દીપડાઓ છે તેમને ટેગ કરવામાં આવ્યા છે અને એનો હેતુ દીપડાઓનું વર્તન જાણવા માટે છે. ધારો કે આજે અમે એને રેસ્ક્યું કર્યું. અને એમાં ચીપ મુકવામાં આવી તો પછી એ બીજી જગ્યા એ જતા હોય છે. કારણ કે એ એક રેન્જ એનિમલ હોય છે. તો બીજી જગ્યાએ એનું પાછું રેસ્ક્યું કરવામાં આવે તો બારકોડ રીડરથી સ્ટાફ પહેલા એ ચેક કરે છે કે ખરેખરે તેને પહેલા ચીપ મુકવામાં આવી છે કે કેમ અને જો ચીપ મુકવામાં આવી હોય તો આપણને ખબર પડી જાય છે કે આ એ જ દીપડો છે. જેના થકી દીપડાઓની સંખ્યા આપણને ખબર પડે છે. અમારી જે બહેન છે તેમણે અંદાજિત 40 જેટલા દીપડાઓને ચીપ મૂકી છે.
![દીપડાઓની વસ્તી ગણતરી અને તેની હિલચાલ પર નજર રાખવા ચીપ મૂકાય છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-tapi-rural-01-forester-women-video-photo-avbb-10082_11022025163838_1102f_1739272118_884.jpg)
આ પણ વાંચો: