સુરત: ઓલપાડના કુંકણી ગામે આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલના ધો. 12ના વિદ્યાર્થીઓ લકઝુરિયસ કારમાં કાફલા સાથે સ્કૂલના ફેરવેલમાં પહોંચતા ભારે વિવાદ સાથે હંગામો મચી ગયો હતો. માલેતુજારોના દીકરાઓએ BMW, મર્સિડીઝ, પોર્શે, ઓડી, ફોર્ચ્યુનર સહિતની વૈભવી કારના સનરૂફ કે વિન્ડો પર લટકી એરગન સાથે શો-બાજી કરવા સાથે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. કારના રોડ-શોનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શન મોડમાં આવી ગઇ હતી.
વિદ્યાર્થીનો મોંઘી કારોનો કાફલો: ઓલપાડના કુંકણી ગામમાં ફાઉન્ટન હેડ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના ધો. 12 બોર્ડના વિદ્યાર્થીઓને સ્કૂલ તંત્ર દ્વારા ફેરવેલ અપાઇ હતી. જોકે, ખાનદાન ઘરના નબીરા એવા આ વિદ્યાર્થીઓ સ્કૂલના ફેરવેલમાં પહોંચવા લક્ઝુરિયસ કારમાં પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓએ એકજૂથ થઇ પોત-પોતાની કારનો રોડ-શો કર્યો હતો. પાલ ગૌરવપથ, જહાંગીરપુરા, દાંડીરોડ થઇ વિદ્યાર્થીઓ શૂટ-બૂટમાં સ્કૂલ સુધી પહોંચ્યા હતા. BMW, ઓડી, મર્સિડીઝ, ફોર્ચ્યુનર, પોર્શે, સ્કોડા સહિતની કારનો કાફલો એકસાથે નીકળતા સૌ કોઇ દંગ રહી ગયા હતા.
ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ: ધો. 12ના વિદ્યાર્થીઓ કારના સનરૂફ પર ચઢી એરગન સાથે શો-બાજી કરતા હતા. સાથે સાથે કારની વિન્ડો પર બંને બાજુએ લટકી વિદ્યાર્થીઓ મસ્તી પણ કરતા હતા. કોઈ રાજનેતાના કોન્વોયને પણ ટક્કર મારે એમ એકસાથે 30 જેટલી કારનો કાફલો નીકળવાની સાથે તે કાર પર વિદ્યાર્થીઓના સીનસપાટા જોઈ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. કેટલીક કાર ફુલ સ્પીડમાં હોવાનું પણ ચર્ચાયું હતું. વિદ્યાર્થીઓએ કારનો રોડ-શો કરી સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લીધો હતો. દરમિયાન આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. માલેતુજારના દીકરાઓએ કારની રેલી સાથે શો-બાજી કરી ટ્રાફિકના નિયમોની પણ ઐસીતૈસી કરી હોય, પોલીસ હરકતમાં આવી કાર્યવાહી શરૂ કરી હતી. આગામી દિવસોમાં બોર્ડની પરિક્ષા હોય, પોલીસ કાર્યવાહી પરીક્ષા બાદ કરશે એવું પણ જાણવા મળ્યું છે.
![ઓલપાડની સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મોંઘી કાર્સનો રોડ શો કરતા પોલીસે 12 કાર્સ જપ્ત કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-surat-rural01-car-gj10065_11022025182335_1102f_1739278415_881.jpg)
જિલ્લા શિક્ષણ અધિકારીની ચેતવણી: ડૉ. ભગીરથસિંહ પરમારે તમામ શાળાના આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે, લાયસન્સ વિના બાળકોએ વાહન ચલાવવા ન દે. જો આવું થશે, તો કડક પગલાં લેવામાં આવશે. આ ઘટના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ અસરકારક થવાની શક્યતા છે.
![ઓલપાડની સ્કૂલમાં વિદ્યાર્થીઓએ મોંઘી કાર્સનો રોડ શો કરતા પોલીસે 12 કાર્સ જપ્ત કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-02-2025/gj-surat-rural01-car-gj10065_11022025182335_1102f_1739278415_954.jpg)
પોલીસે 12 લકઝરી કારને ડિટેઈન કરી: ઓલપાડના કુંકણી ગામની ફાઉન્ટેન હેડ સ્કૂલના ફેરવેલમાં ધોરણ-12ના વિદ્યાર્થીઓ 30 લક્ઝરી કારનો કાફલો કાઢી પહોંચ્યા હતા. આ અંગે અહેવાલ પ્રસિદ્ધ થતાં પોલીસે 12 લકઝરી કારને ડિટેન કરી હતી. જ્યારે શહેર બહાર ગયેલી 9 કારને રાત સુધીમાં ડિટેઈન કરાશે. 15મીથી CBSEની પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓના માનસ પર અસર ન પડે. તે માટે પોલીસે હાલમાં કડક કાર્યવાહી કરી નથી.
આ પણ વાંચો: