સુરત: શહેરના હજીરા વિસ્તારમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીના કર્મચારીઓને લઈ જતી બસને ગંભીર અકસ્માત નડ્યો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે, જ્યારે 15થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા છે.
અકસ્માતની વિગતો મુજબ, એલએન્ડટી (L&T) કંપનીના ગેટ નંબર 2 પાસે સવારે આ ઘટના બની હતી. નીયો સ્ટ્રક્ટો કંપનીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લઈ જતી બસમાં 50 થી વધુ લોકો સવાર હતા. આ દરમિયાન રેતી-કપચી ભરેલું ડમ્પર ચાલક દ્વારા બે સાયકલ સવારોને બચાવવા જતાં બસ સાથે ધડાકાભેર અથડામણ થઈ હતી.
અકસ્માતની ભયાનકતા CCTVમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ડમ્પર બંને પલટી ગયા હતા. બસનો કાચ તૂટી જવાથી ત્રણ લોકો બહાર ફેંકાયા હતા. ઘાયલોને તાત્કાલિક 8 જેટલી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતક 51 વર્ષીય સૂર્યદેવ રામ વૃક્ષ ભુયાન મોરા ગામ વિસ્તારમાં રહેતા હતા અને AMNS કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અકસ્માતના પગલે આસપાસના લોકો અને અન્ય બસમાંથી કર્મચારીઓ મદદ માટે દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: