અમદાવાદ: ભારતના સૌથી મોટા મ્યુઝિક ફેસ્ટિવલમાં સ્થાન ધરાવનાર સપ્તક વાર્ષિક સંગીત સમારોહ 2024 નું આયોજન 18થી 27 ઓકટોબર દરમિયાન મિઠાખડી સ્થિત લાયન્સ હોલમાં કરવામાં આવ્યું છે. સપ્તકના આ સંગીત સંકલ્પમાં દિગ્ગજ સંગીત માર્તંડ અને યુવા સંગીતકારો એક મંચ પર 10 દિવસ સંગીત સાધના કરશે જેમાં પ્રથમ દિવસે 10 જેટલા સંગીત સાધકો દ્વારા પોતાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
70 વધુ સંગીતના માર્તંડ અને નવા સંગીતકારોની સંગીત સાધના કરશે:ટોચના તબલા વાદક નંદન મહેતા અને જાણીતા સિતાર વાદક મંજુ મહેતાના પુત્રી તેમજ સપ્તકના ટ્રસ્ટી હેતલ મહેતાએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે અહીં 29 મો સપ્તક સંગીત સંકલ્પ યોજાઈ રહ્યો છે. જેમાં ટોચના નામી 70 વધુ સંગીતના માર્તંડ અને નવા સંગીતકારોની સંગીત સાધના કરશે. વધુમાં હેતલ મહેતાએ વાત કરી હતી કે, આ વખતેનો સપ્તકનો સંગીત સમારોહ 'સંગીત સંકલ્પ સંસ્થા'ના નિર્દેશક મુકેશ ગર્ગ અને 'સપ્તક'ના સહ સંસ્થાપક વિદુષી મંજુ નંદન મહેતાને સમર્પિત છે.
'હું જે પણ કઈ છું સપ્તક થકી છું' - ગૌરવ પાઠક: વર્ષોથી સપ્તક સાથે જોડાયેલા અને મંજુ મહેતાના શિષ્ય ગૌરવ પાઠકે વાત કરતાં જણાવ્યું છે કે, 'મંજુબેન મહેતા પાસેથી મારી કલાસિકલની યાત્રા શરૂ થઈ હતી. વર્ષોથી હું સપ્તક સાથે પણ જોડાયેલો છું અને પ્રોગ્રામસ કરું છું.' વધુમાં ગૌરવભાઈએ કહ્યું હતું કે, 'મારા માટે આજે અત્યંત ખુશીની વાત છે કે જે સ્ટેજ પર આજ સુધી હું પર્ફોર્મ નથી કરી શક્યો તે સ્ટેજ પર આજે મારા દીકરાને જે મારો વિદ્યાર્થી પણ છે તેને પર્ફોર્મ કરવાની તક મળી છે.'
9 વર્ષના પ્રાંશુએ વાયોલિન વગાડ્યું:માત્ર 5 વર્ષની ઉંમરથી શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલ હાલ 9 વર્ષના પ્રાંશુ પાઠક જણાવે છે કે, 'હું 5 વર્ષનો હતો ત્યારથી જ મારા પિતા અને પ્રથમ ગુરુ પાઠક પાસેથી વાયોલિન શીખવાની શરૂઆત કરી હતી. આજે હું 9 વર્ષનો થયો છું અને વાયોલિન વગાડું છે. વધુમાં પ્રાંશુ પાઠકએ જણાવ્યું હતું કે, 'મેં બાગેશ્રીમાં આલાપ લીધો, વિલંબિત લય, મધ્ય લય અને અંતે વૈષ્ણવ જન લીધું હતું.'