રાજકોટ: તહેવાર કે વેકેશનમાં ફરવા જાવ ત્યારે ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં પહેલાં ચેતજો, કેમ કે તસ્કરો સોશિયલ મીડિયાના આધારે ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી પર અંજામ આપી રહ્યાં છે. તે જ મોડસ ઓપરેન્ડીથી રાજકોટના દેવનગર અને કલાવડ રોડ પર થયેલી ચોરીનો ભેદ LCB ઝોન -2 ની ટીમે ઉકેલી તસ્કરી કરનારને ઝડપીને સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત રૂ.3.74 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટનો પરિવાર જેસલમેર ગયો હતો
મળતી વિગત મુજબ રાજકોટના નાનામવા રોડ પર દેવનગર શેરી નં.6 માં રહેતાં રાહુલભાઈ દાફડાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગત 4 તારીખે બપોરના બે વાગ્યે તેમના પરિવાર સાથે રાજસ્થાન ફરવા માટે ગયા હતા. ઘરમાંથી બહાર નીકળતી વખતે તેમણે તાળું મારેલું હતું. તેઓ જેસલમેર હતા ત્યારે પાડોશમાં રહેતાં સંબંધી મામાનો ફોન આવ્યો કે તમારા ઘરમાં તાળા તુટેલા છે અને ચોરી થઈ છે. જેથી તેઓ સહપરીવાર પરત રાજકોટ આવવા માટે નીકળી ગયા હતા. ઘરે પહોંચીને જોતા ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરમાં પ્રવેશતા હોલમાં પડેલી તેમની માતાની પતરાની તીજોરી, તેમજ રૂમમાં રહેલી પત્ની તીજોરી તુટેલ હાલતમાં હતી. જેમાંથી તસ્કર રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.13 મુદામાલની ચોરી કરી નાસી છૂટતાં ફરિયાદ નોંધાવી હતી.
બીજા ઘરમાં ચોરી કરીને તાળું બદલી નાખ્યું
તો બીજા બનાવમાં કાલાવડ રોડ પર ગુ.હા.બોર્ડ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતાં મનસુખભાઇ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ માલધારી ફાટક નજીક આવેલા એક્ટીવા પમ્પ નામના કારખાનામાં મજુરી કામ કરે છે. ગત 30 ઓક્ટોબરે તેઓ પરિવાર સાથે મકાનને તાળું મારીને તેમના વતન માંગરોળના મેણજ ગામે દીવાળીનો તહેવાર કરવા રોકાવા ગયા હતા. ત્યાંથી તા. 6 નવેમ્બરે રાત્રે ઘરે પરત આવ્યા ત્યારે તેઓ જે તાળું મારીને ગયા હતા તે તાળાની બદલે બીજું તાળું મારેલ હતું. દરવાજાના લોક નજીકના ભાગે લીસોટાના નીશાન દેખાતા કોઈએ તાળું તોડ્યું હોવાની શંકા ગઈ હતી. બાદમાં પલમ્બર પાસેથી તાળું તોડાવીને ઘરમાં જોતા કબાટનું લોક કોઈએ તોડીને સામાન વેર-વીખેર હતો. જેમાં રાખેલ રોકડા રૂ.6 હજાર, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.20 લાખનો મુદ્દામાલ ગાયબ હતો. જેથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.