રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં નમકીન માટે જાણીતું નામ એવા ગોપાલ નમકીનની રાજકોટ ખાતે આવેલી ફેકટરીમાં બપોરે આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય આખી ફેક્ટરી બળીને ખાખ થવા પામી છે. તો વિકરાળ આગને પગલે ફાયર ટીમે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના મેટોડા જીઆઈડીસી ખાતે આવેલ ગોપાલ નમકીન ફેકટરીમાં બપોરે 2 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. કોઈ કારણોસર આગ લાગ્યા બાદ આગે આખી ફેક્ટરીને ઝપેટમાં લઇ લીધી હતી. જે બનાવની જાણ થતા રાજકોટ ફાયરની 15 ટીમો અને 10 જેટલા ટેન્કર અને 108 ની 5 ટિમો સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહી છે. આગ બેકાબુ હોવાથી બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે સૌરાષ્ટ્રના જામનગર અને મોરબી સહિતના સેન્ટરમાંથી ફાયરની મદદ માંગવામાં આવી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાદ ફરી મોટી આગ લાગી છે અને આગમાં ફેક્ટરી બળીને ખાખ થવા પામી છે. બનાવને પગલે મેટોડા જીઆઈડીસી પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા અને અગ્રણી ઉદ્યોગપતિ શિવલાલભાઈ બારસીયા સહિતના દોડી ગયા હતા.
આગને પગલે કાચ ફૂટી ઉડી રહ્યા હતા
આગ એટલી વિકરાળ છે કે ફેક્ટરી બળીને ખાખ થઇ ગઈ છે. ફેકટરીમાં લગાવેલી બારીઓ સહિતના સ્થળે કાચ પણ ફૂટી રહ્યા છે. કાચના ટુકડા ફૂટીને ઉડી રહ્યા હતા. જેથી પોલીસ ટીમો સતત પેટ્રોલિંગ કરી કોઈ ફેક્ટરીની નજીક ના જાય તેની તકેદારી રાખી હતી.
ફેકટરીમાં અંદાજે 2000 જેટલો સ્ટાફ હતો, તમામ સલામત