રાજકોટ: જિલ્લા પોલીસની ટીમ દ્વારા કર્ણાટક રાજ્યના કાલા બગુડી ખાતે આવેલા આશ્રમમાં રહેતા અમૃત પ્રજાપતિ મર્ડર કેસના સહ આરોપી કિશોર બોડકેને ઝડપી પાડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આરોપી કિશોર બોડકે મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને કર્ણાટકમાં આશ્રમમાં સેવાદાર તરીકે રહેતો હતો. આ આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ આશ્રમ ખાતે સાધક બનીને પહોંચી હતી. તેમજ બે દિવસ સુધી આશ્રમમાં સાધક બનીને કિશોર બોડકેની હાજરી છે કે કેમ તે બાબતે તપાસ કરી હતી. માહિતી મુજબનો વ્યક્તિ જણાતા ક્રાઈમ બ્રાન્ચની સાધક વેશમાં રહેલી ટીમે તેને દબોચી લીધો હતો.
આરોપીને કર્ણાટકથી ઝડપી પાડ્યો: આ સમગ્ર ઘટના અંગે રાજકોટ શહેરના ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ, ડૉ. પાર્થરાજ સિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરવામાં આવી હતી. જે અંતર્ગત ગોહિલે જણાવ્યું હતું કે, "અમૃત પ્રજાપતિ મર્ડર કેસમાં અત્યાર સુધીમાં કુલ 11 વ્યક્તિઓના નામ ખુલી ચૂક્યા છે. જે પૈકી 3 આરોપીઓની અગાઉ ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બાકી 8 આરોપીઓ પૈકી કિશોર બોડકે નામના આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા સ્પેસિફિક ઇન્ટેલના માધ્યમથી કર્ણાટકથી ઝડપી પાડવામાં આવ્યો છે."
આસારામનો વિરોધ કરનારનું લીસ્ટ તૈયાર કરતો હતો: વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું કે, "આરોપી કિશોરની અમૃત પ્રજાપતિ મર્ડર કેસમાં રોલની વાત કરીએ તો આસારામ વિરુદ્ધ જે-તે સમયે જે લોકો વિરોધમાં બોલતા હતા, આસારામનો વિરોધ કરતા હતા તેનું લીસ્ટ તૈયાર કરવાનું હતું. આ સાથે જ અમૃત પ્રજાપતિના મર્ડર કેસનું પ્લાનિંગ કરવામાં પણ તેનો રોલ હતો. અગાઉ આ મર્ડર કેસમાં પકડાઈ ચૂકેલા કાર્તિકની તેને આ ગુનાના કામમાં મદદ પણ કરી હતી. મર્ડર કેસ સામે આવ્યા બાદ આરોપી કિશોર વડોદરા, સુરત, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા શહેરો અને રાજ્યોમાં આવેલા આસારામ બાપુના તેમજ તેમની સાથે જોડાયેલા ટ્રસ્ટના આશ્રમોમાં નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યું છે."