PM Awas Yojana Fact Check: શું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને મળે છે પૂરતી સહાય? Etv Bharat દ્વારા કચ્છમાં 'ફેક્ટ ચેક'
દેશના મધ્યમ વર્ગના અને કાચા મકાનમાં રહેતા નાગરિકો માટે પોતાના ઘરનું ઘર મળે અને પોતાના ઘરના ઘરમાં રહી શકે તે માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2015માં શરૂ કરાઈ જે કચ્છમાં વર્ષ 2018થી અમલમાં આવી હતી. Etv Bharat દ્વારા કચ્છમાં આ યોજનાનું 'ફેક્ટ ચેક'કરવામાં આવ્યું. PM Awas Yojana Kutch Fact Check 2018 7 Phases 6275 Houses
શું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને મળે છે પૂરતી સહાય?
કચ્છઃ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના વર્ષ 2015માં શરૂ કરાઈ જે કચ્છમાં વર્ષ 2018થી અમલમાં આવી હતી. આ યોજના અંતર્ગત અત્યાર સુધી કચ્છમાં 7 જેટલા ફેઝમાં કુલ 6275 જેટલા આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યારે 1455 જેટલા આવાસો નિર્માણાધીન છે.
જિલ્લામાં 7730 આવાસોને મંજૂરીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લાભાર્થીઓને આવાસની મંજૂરી મળેલ છે તેમના ઘરે જઈને Etv Bharat દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં લાભાર્થીઓને સરકાર તરફથી સહાય મળી છે કે કેમ ? તેના વિશે માહિતી મેળવવામાં આવી. કચ્છ જિલ્લામાં છેલ્લાં 6 વર્ષમાં કુલ 7766 જેટલી અરજી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવી હતી. જેમાંથી કુલ 7730 જેટલી અરજીઓ મંજૂર થઈ હતી. મંજૂર થયેલ અરજી પૈકી અત્યાર સુધીમાં 6275 જેટલા આવસોનું નિર્માણ થઈ ચૂક્યું છે જ્યારે 1455 જેટલા આવાસો નિર્માણાધીન છે અથવા તો હજી લાભાર્થીઓએ બાંધકામ શરૂ કર્યું નથી.
શહેરી અને ગ્રામીણ વિસ્તાર મુજબ સહાયની રકમઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના સપનાનું ઘર બનાવવા માટે લાભાર્થીઓને ગ્રામીણ વિસ્તારમાં 1.20 લાખ તો શહેરી વિસ્તારમાં 3.5 લાખ જેટલી રકમ સહાય પેટે સરકાર દ્વારા આપવામાં આવે છે. આ આવાસ યોજનામાં સરકારે ફાળવેલ પ્લોટ અથવા માલિકીની જમીન ઉપર પાકું મકાન બાંધવા માટે સહાય મેળવીને શકાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગાઈડલાઈન મુજબ આવાસની મંજૂરી મળી જાય તે પછી 1 વર્ષની અંદર આવાસનું બાંધકામ પૂર્ણ થઈ જવું જોઈએ.
વિવિધ તબકકામાં ચૂકવાતી સહાયઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાની યોગ્યતા ધરાવતાં લાભાર્થીઓને આવાસની સહાય રકમ સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે આ સહાયની પૂરી રકમ એકસાથે નહિ પરંતુ વિવિધ 3થી 6 જેટલા તબક્કામાં ચૂકવાય છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે બેન્ક ખાતા સાથે સંકળાયેલી વિગતો, પોતાના નામ અને નાગરિકતા સંબંધિત વિગતો આપવાની રહેતી હોય છે. આ ઉપરાંત આધાર કાર્ડ, રાશન કાર્ડ અને આવકનો દાખલો પણ આપવાનો હોય છે. જે વ્યક્તિની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય છે. તેમને આ યોજના હેઠળ લાભ મળે છે.
12 માસ બાદ સહાય મળીઃ ભુજના રેલવે સ્ટેશન પાસે રહેતા રમીલા પ્રજાપતિ કે જેઓ અગાઉ ભાડાના મકાનમાં રહેતા હતા તેમને આ યોજના હેઠળ લાભ મળ્યો છે. હવે તેઓ પોતાના સપનાના ઘરમાં રહેવા સક્ષમ બન્યા છે. ભાડાના મકાનમાંથી મુક્તિ મળતા પરિવાર ખુશ છે અને હવે મકાન ખાલી કરવાનો ડર કે સામાન ફેરવવામાં પડતી મુશ્કેલી જેવી તકલીફોમાંથી તેમને મુક્તિ મળી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મળતા અમે અમારું પોતાનું મકાન બનાવી શક્યા છીએ. જ્યારે અમે અરજી કરી ત્યારે આ યોજનામાં કામ બંધ થઈ ગયું હતું અમે દાગીના વહેંચીને અને લોન લઈને આ ઘર બનાવવામાં આવ્યું હતું પરંતુ પાછળથી અમને જાણ કરવામાં આવી હતી કે તેમની અરજી મંજૂર થઈ ગઈ છે. અમને તેમના સપનાના ઘર માટે 3.5 લાખની સહાય વિવિધ તબક્કાઓમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવી હતી. 12 મહિના બાદ પણ સરકારે અરજી મંજૂર કરીને સહાય આપી તેનો લાભાર્થી રમીલા પ્રજાપતિએ આભાર વ્યક્ત કર્યો હતો.
સરકારની સહાયથી મકાન બનાવવા હિંમત મળીઃ શહેરી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરનાર નરેન્દ્ર નાથબાવાએ જણાવ્યું હતું કે, અમે અગાઉ ભાડાના ઘરમાં રહેતા હતા અને 2 વરસથી અમારી પાસે પોતાનો પ્લોટ હતો પરંતુ મકાન બનાવવા નાણાંકીય સગવડ ન હતી. અમને સરકારની આ યોજનામાં 3.5 લાખ રુપિયા જેટલી સહાય મળતા અમારા હિંમત આવી અને અન્ય 7 લાખ રૂપિયાની લોન લઈને અમે અમારુ સપનાનું ઘર બનાવ્યું. જેમાં ભુજ નગરપાલિકામાં જરૂરી ડોક્યૂમેન્ટ રજૂ કરતા અમને તબક્કા મુજબ સહાયની રકમ મળતી ગઈ.
સરકારમાંથી મંજૂરી આવતા 3 મહિનાનો સમયઃ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સોશિયલ ડેવલોપમેન્ટ સ્પેશિયાલિસ્ટ ધર્મિષ્ઠા પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં વર્ષ 2018થી આ યોજના અમલીકરણમાં છે. જેમાં લોકો પોતાના પ્લોટ પર આવાસ બનાવવા તેમજ કાચા મકાનને પાડીને નવું મકાન બનાવવા માટે આ યોજનાનો લાભ લેતા હોય છે. જેમાં જરૂરી આધાર પુરાવાઓ રજૂ કરીને તેમની ફાઈલ બનાવી તેમનો રિપોર્ટ રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવે છે. ત્યારથી કેન્દ્ર સરકાર દ્વારા 3 માસની અંદર આ આવાસ યોજનાનો લાભ આપવા માટે મંજૂરી મળતી હોય છે. જોકે અમુક લોકો સરકારમાંથી મંજૂરી આવ્યા બાદ પણ નાણાંકીય કટોકટીના હિસાબે સ્વૈચ્છિક રીતે બાંધકામ અને સહાય મેળવવાનું રદ્દ કરાવતા હોય છે.