ભાવનગરઃ ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં બનેલા અગ્નિસ્નાની ઘટના ચર્ચામાં છે. મહિલાએ પોતાના બાળકીઓને સળગાવી જાતે અગ્નિસ્નાન કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે. માતા અને દીકરીઓ ત્રણેય હાલ ગંભીર હાલતે સારવારમાં છે.
ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હૃદય કંપાવી દેનાર ઘટના બનવા પામી છે. ઘોઘા તાલુકાના હાથબ ગામના સીમાડા વિસ્તારમાં બનેલી ઘટના છે. માતાને શું સૂઝ્યું કે પોતાની માસૂમ દીકરીઓને સળગાવી અને અંતમાં પોતે સળગી ઉઠી હતી. પતિને જાણ થતાં ત્રણેયને હોસ્પિટલ લઇ આવ્યો હતો તેમ પોલીસ ચોપડે નોંધાયેલું છે. હાલ ત્રણેય જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.
માતાના હાથે જ સંતાનો આગને હવાલે
પોલીસ ચોપડે નોંધાયેલી ઘટના પ્રમાણે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ બંગલો આસપાસ આવેલી એક વાડીમાં મહિલાએ પહેલા પોતાની માસૂમ દીકરીઓને સળગાવી અને ત્યાર બાદ પોતે આગ ચાંપી દીધી હતી. દીકરીઓ સાથે આત્મહત્યાના પ્રયાસની જાણ પતિને થતા પતિ તાત્કાલિક કોળિયાક હોસ્પિટલ અને ત્યાર બાદ ભાવનગર સર ટી હોસ્પિટલ ખાનગી વાહનમાં લાઇ આવ્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. બનાવ પાછળ ઘર કંકાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આ મામલામાં હાલ પોલીસ અન્ય પાસાઓ પર પણ તપાસ કરી રહી છે. સમય રહેતા આ ઘટનામાં મહિલાના ક્રુર કૃત્ય પાછળનું સત્ય બહાર આવી જશે.
ત્રણેયની સ્થિતિ હાલ ગંભીર
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ત્રણેય ભોગ બનનારને લાવીને સારવારમાં રાખવામાં આવ્યા છે. ત્રણેયની સ્થિતિ ગંભીર દર્શાવવામાં આવી છે. સર ટી હોસ્પિટલ પોલીસ ચોકીના ચોપડે નોંધવામાં આવ્યું છે કે, નીતાબેન ગોહિલ 32 વર્ષીય અને 9 વર્ષીય પ્રતીક્ષા અને ઉર્વીશા નામની બાળકી આમ ત્રણેયને ઇજાગ્રસ્ત હાલતે ખાનગી વાહનમાં કોળિયાક હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ 108 મારફત ભાવનગર સર ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. નીતાબેન ઉર્ફે નયનાબેન હાલ ICUમાં સારવારમાં છે ત્યારે બે દીકરીઓ ટ્રોમાં સેન્ટરમાં સારવારમાં છે.
અગ્નિસ્નાન કર્યાનું પોલોસ ચોપડે નોંધાયું
ભાવનગર સર ટી પોલીસ ચોકીના ચોપડે નોંધાયું છે કે નીતાબેન ઉર્ફે નયનાબેન જાતે દાઝી જતા અને પ્રતીક્ષા અને ઉર્વીશાને સળગાવી દેતા સર ટી હોસ્પિટલમાં 108 મારફત લાવવામાં આવ્યા છે. હાલની સ્થિતિ ગંભીર છે. બનાવને લઈને ઘોઘા પંથકમાં ચકચાર મચી ગઇ છે. આખરે મહિલાએ અગ્નિસ્નાન કર્યું છે કે પછી સત્ય કાંઈક અલગ છે તેને લઈને બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.