નવસારી: શિવનો મહિમા અપાર છે, તેથી શિવરાત્રી આવતાની સાથે જ શિવભક્તો શિવજીને રીઝવવા માટે ઘીના કમળ શિવજીને ચડાવવામાં માનતા હોય છે, ત્યારે નવસારીના સદલાવ ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતે 1200 કિલો ઘીમાંથી વિવિધ મંદિરો માટે 34 મહાદેવજીની પ્રતિમાં, 21 કમળ, 17 જેટલા નાના શિવલિંગ બનાવી લોકોના મન મોહી લીધા હતા. આ અનોખા શિવભક્ત શિવરાત્રી નિમિત્તે વગર મહેનતાણે ઘીની શિવજીની કલાત્મક પ્રતિમા બનાવી આપે છે. તેઓના હાથે બનાવેલી કલાત્મક પ્રતિમાઓની ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ બોલબાલા છે.
દક્ષિણ ગુજરાતના શિવાલયોની અનોખી પરંપરા: શિવરાત્રી દરમિયાન શિવાલયોમાં ઘીના કમળ અને ઘી દ્વારા બનાવેલ ભગવાન શિવની પ્રતિકૃતિ દર્શન માટે મૂકવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે. તમે ભગવાન શંકરના મંદિરે જાઓ. ત્યારે તમને દરેક મંદિરે શિવરાત્રી દરમિયાન અનોખો શણગાર જોવા મળે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ શિવ મંદિરોમાં ઘીની આકૃતિ અને પ્રતિકૃતિઓ બનાવવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. જેમાં ઘીમાંથી કમળ બનાવી તેના ઉપર ભગવાન શંકરને બિરાજમાન કરવા અથવા તો ઘીમાંથી ભગવાન શંકરની મૂર્તિ બનાવવી વગેરે છે.
નવસારીના કલાકારની અનોખી શિવસેવા: દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ઓલપાડ,સુરત સહિતના વિવિધ જિલ્લાઓમાં શિવરાત્રી દરમિયાન આ પ્રકારની પ્રતિકૃતિઓ જોવા મળતી હોય છે. જોકે, આ પ્રતિકૃતિ જોઈને તમને આશ્ચર્ય ચોક્કસ થતું હશે કે, ઘીમાંથી આ મૂર્તિઓ બનાવી કેવી રીતે શક્ય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, દક્ષિણ ગુજરાતના મોટા શિવ મંદિરોમાં આ પ્રતિકૃતિ નવસારીના સદલાવ ગામના ખેડૂત હેમંતકુમાર પટેલ પોતાની કળા દ્વારા બનાવે છે. જોકે, આ પ્રતિકૃતિ બનાવવાનો કોઈ પણ પ્રકારનું મહેનતાણું લેતા નથી. જો કોઈ ઓર્ડર આવે તો વિના મૂલ્યે ફક્ત ઘીના જ રૂપિયા લઇ આ મૂર્તિ કે બનાવી આપે છે.

કલાકાર ઘીમાંથી મૂર્તિઓ બનાવે છે: દર શિવરાત્રી પર હેમંતભાઈને મોટી સંખ્યામાં આવા ઓર્ડર મળે છે અને વિવિધ મંદિરો સુધી અવનવી કલાકૃતિ પહોંચાડે છે. શિવરાત્રી આવે તેના એક મહિના પહેલા જ ઓર્ડર લેવાનું બંધ કરવું પડે છે. સેવા તો હર કોઈને કરવી હોય પણ આ પ્રકારની સેવા કોઈ ભાગ્યે જ કરતા હોય છે. કારણ કે, જો આ ખેડૂત ધારે તો પોતાની પાસે રહેલી આવડતથી લાખો રૂપિયા કમાઈ શકે છે અને તે જે પ્રકારની કૃતિઓ તૈયાર કરે છે. ઘીમાંથી મૂર્તિઓ બનાવવા માટે લોકો મો માંગ્યા પૈસા આપવા તૈયાર થઈ જાય છે. પરંતુ આ શિવભકત ભગવાન શંકરની અનોખી સેવાનાના ભાગરુપે વિનામૂલ્યે મૂર્તિઓ તૈયાર કરે છે.

કેટલો સમય મૂર્તિ બનાવવામાં વિતે છે?: સદલાવ ગામના ખેડૂત અને કલાકાર હેમંત પટેલ નાનપણથી ફક્ત જોઈને ઘીમાંથી વિવિધ આકૃતિઓ બનાવતા શીખ્યા હતા. તેમણે કોઈપણ પ્રકારની ટ્રેનિંગ લીધી નથી. તેઓ મૂર્તિઓ બનાવવા માટે કોઈ પણ બીબાનો પણ ઉપયોગ કરતા નથી. 14 વર્ષ સુધી તેમણે ઘીમાંથી કમળ બનાવ્યા હતા અને ત્યારબાદ ઘીમાંથી ભગવાન શંકર સહિત વિવિધ આકૃતિઓ બનાવવાની શરૂઆત કરી હતી. એટલે કે, તેઓ છેલ્લા 40 વર્ષથી ઘીમાંથી કમળ અને મૂર્તિ બનાવે છે. હાલના સમયમાં સુરત, કાકરાપાર, વલસાડ, નડિયાદ, નવસારી, ઓલપાડ સહિતના વિસ્તારોમાં પોતાને કામને કારણે આ કલાકાર જાણીતા છે. આ કામ પાછળ હેમંતભાઈ એક દિવસમાં 12 કલાક જેટલો પોતાનો સમય વિતાવે આવે છે.


મૂર્તિઓની ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં માંગ: ખેડૂત અને કલાકાર હેમંતભાઈને આ વર્ષે મળેલા ઓર્ડરની વાત કરવામાં આવે તો આ શિવરાત્રી સુધીમાં લગભગ 1200 કિલો જેટલા ઘીનો વપરાશ કરી શિવજીની 34 પ્રતિમા, કમળ 21 અને 17 જેટલા નાના શિવલિંગ બનાવી અલગ અલગ મંદિરો સુધી પહોંચાડ્યા છે. તમને પ્રશ્ન થશે કે, મંદિરમાં આ ઘીની આકૃતિઓ શિવરાત્રી બાદ તેનું શું કરવામાં આવતું હશે. તો મંદિરના સંચાલકો અથવા તો જે કોઈ પણ મૂર્તિ બનાવે છે. તે આ ઘીને ગાયના ખોરાક માટે વાપરે છે. અથવા તો દીવામાં કે તળાવ કે નદીમાં પધરાવે છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રના પણ અનેક મંદિરોમાં તેમની કલાકૃતિઓ પહોંચે છે.
આ પણ વાંચો: