સુરત: શહેરના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આજે 26 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી, આ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ છેલ્લા 10 કલાકથી મહેનત કરી રહી છે.
ફાયર અધિકારીઓ ઓક્સિજન માસ્ક સાથે અલગ-અલગ માળે પાણીનો મારો ચલાવી રહ્યા છે. ચાર માળની ઈમારતમાં અનેક દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. વેપારીઓને કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે. કાપડની દુકાનોમાં મોટા પ્રમાણમાં માલ બળી ગયો છે.
ફાયર ઓફિસર કિષ્ણા મોઢના જણાવ્યા મુજબ, 'બિલ્ડિંગનું સ્ટ્રક્ચર નબળું પડી રહ્યું છે. બેઝમેન્ટમાં સ્લેબનો ભાગ નમી ગયો છે અને એક બીમ તૂટી પડી છે. બિલ્ડિંગને વધુ નુકસાન થાય તે પહેલાં આગને કાબૂમાં લેવી જરૂરી છે'.
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, 'આગ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી છે. કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા, જેઓ બહાર આવી ગયા છે. અમારા પહેલાં ફાયર ઓફિસર દિનેશ જે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, અહીં ખૂબ મોટા ધડાકા થઈ રહ્યા છે. હજી અંદર પણ મોટા પ્રમાણમાં આગ લાગી છે'.

વેપારી ઉમેશ મહેતાએ જણાવ્યું કે માર્કેટમાં કુલ 853 દુકાનો છે. 25 ફેબ્રુઆરીએ પણ બપોરે 1:30 વાગ્યે આગ લાગી હતી, જે સાંજે 6-7 વાગ્યે કાબૂમાં આવી હતી. આજે સવારથી ધુમાડો નીકળતો હતો અને સવારે 8 વાગ્યે મોટી આગ લાગી હોવાની જાણ વોટ્સએપ ગ્રુપ પર થઈ હતી.

વેપારી નીરજ જૈને જણાવ્યું હતું કે, અમારી દુકાન જે છે તેમાં પણ આગ લાગી છે. મોટા પ્રમાણની અંદર માલ અત્યારે ભરેલો છે. થોડો મંદીનો માહોલ હોવાને કારણે સ્ટોક અમારી દુકાનોમાં હતો. સવારે 8 વાગ્યાથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દેવાયો હતો, પરંતુ હજુ સુધી સંપૂર્ણ રીતે આગ પર કાબુ મેળવાયો નથી. આગ હજી ચાલુ જ છે, ઘણી બધી દુકાનો હજી પણ આગની લપેટમાં આવી ચૂકી છે. જેને કારણે દુકાનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. અમારા હિસાબના ચોપડા અને કોમ્પ્યુટર પણ અંદર હોવાને કારણે વેપારીઓની ચિંતા વધી છે.
આ પણ વાંચો: