નવસારી: આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ તરીકે ઓળખાતા બીલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરમાં શિવરાત્રી નિમિત્તે ભક્તોનું ટોળું આવી પહોંચ્યું હતું. વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા માટે શિવભક્તોની ભીડ જામી હતી.
ભગવાન ભોળાનાથનો પ્રાગટ્ય દિવસ એટલે મહાશિવરાત્રી. આજના આ પાવન પર્વ પર દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા નવસારી બીલીમોરા સ્થિત પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. સવારે ભગવાનનો પંચાભિષેક કર્યા બાદ મહા આરતીમાં શિવભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શંકરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પુરાણો અને હિન્દુ શાસ્ત્ર અનુસાર મહા મહિનાની વદ ચૌદશ એટલે ભગવાન શિવજીનો પ્રાગટ્ય દિવસ. મહાશિવરાત્રી સાથે પુરાણોમાં અન્ય કથાઓ પણ છે. જેમાં સમુદ્ર મંથન, ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન, ભગવાન વિષ્ણુની શિવ આરાધના દરમિયાન એક આંખ અર્પણ કરવાનો દિવસ અને ભગવાન મહાદેવ જે દિવસે કૈલાસ પર્વત ઉપર સ્થિર થયા એ મહાશિવરાત્રી. જેથી ભગવાન ભોળાનાથની આરાધના માટે મહાશિવરાત્રીનો દિવસ અલૌકિક માનવામાં આવે છે.

નવસારી બીલીમોરા સ્થિત મીની સોમનાથ તરીકે ઓળખાતા સ્વયંભૂ સોમનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સવારે 4 વાગ્યાથી મંદિરના પૂજારી દ્વારા ભગવાનનું ષોડશોપચાર પૂજન કરી પંચાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન સોમનાથ મહાદેવની મહા આરતી શરૂ થઈ હતી. ઢોલ નગારા, શંખ, ડમરુ અને ઘંટ નાદ સાથે ભગવાન મહાદેવની આરતીમાં સૌ શિવમય થયા હતા.


ભક્તોની આંખોમાં અને હૃદયમાં શ્રદ્ધા ભાવ હતો અને તેમણે મહાદેવના દર્શનથી ધન્યતા અનુભવી હતી. આજે સમગ્ર દિવસ દરમિયાન ભગવાન ભોળાનાથની વિવિધ રીતે પૂજા અર્ચન થશે. રાત્રીના ચાર પ્રહરમાં ભગવાન શિવને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ મોડી રાત્રે ઘીના કમળ ચઢાવવામાં આવશે. ભગવાન મહાદેવની આ અલૌકિક પૂજનમાં બીલીમોરા સહિત દક્ષિણ ગુજરાત, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશ વિદેશથી પણ લાખો શ્રદ્ધાળુઓ પહોંચશે અને શિવજીના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરશે.
આ પણ વાંચો: