ભાવનગર: ભગવાન શિવનો દિવસ એટલે "મહાશિવરાત્રી", આ પર્વ પર ભક્તો દ્વારા ભાંગની પ્રસાદી લેવાની જૂની પરંપરા છે. પરંતુ ભાંગ કઈ રીતે બને છે તેનો કદાચ ખ્યાલ કોઈને નહીં હોય. ભાંગ કેવી રીતે બને છે તે જાણવા માટે ETV BHARATએ આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણના પ્રાધ્યાપકની મુલાકાત લીધી હતી. પ્રાધ્યાપકે આ ભાંગના છોડવાઓ ભારતમાં સૌથી વધુ ક્યાં ઉગે છે અને કેટલા પ્રમાણમાં તેને દવા સ્વરૂપે લઈ શકાય અને જો વધારે પ્રમાણમાં સેવન થાય તો તે નશાકારક બની જાય છે તે વિશે જણાવ્યું છે. આ સંપૂર્ણ વિગતો જાણો.
ક્યાં સૌથી વધુ ઉગે છે ભાંગના છોડ: ગુજરાતમાં આમ તો નશાકારક પદાર્થો પર પ્રતિબંધ છે. પરંતુ વાત શિવરાત્રીની છે. ત્યારે શિવને પ્રિય ભાંગને લઈને ભાવનગરની આયુર્વેદ કોલેજના પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, ભાંગનો છોડ નાનકડો હોય છે અને તે વર્ષમાં 6 મહિના માટે જ જોવા મળે છે. જે જુલાઈ મહિનામાં ઉગે છે અને ઓક્ટોબર માસમાં તેમાં ફૂલ આવ્યા બાદ પૂર્ણ થઈ જાય છે. જોકે, ઉત્તર ભારતમાં ઉતરાખંડથી લઈને ઉત્તર પ્રદેશના હરિદ્વાર અને અયોધ્યાના ગંગા કિનારે ખૂબ પ્રમાણમાં ભાંગના છોડવા થાય છે અને ત્યાં જ જોવા મળે છે.
ભાંગના છોડની કેટલી પ્રજાતિ: ભાવનગર આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણ વિભાગના પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, ભાંગના છોડવા 2 પ્રકારના હોય છે. એક સ્ત્રી પ્રજાતિ અને પુરુષ પ્રજાતિ એમ જોવા મળે છે. તેમાં પુરુષ પ્રજાતિમાં ગ્રીનિસ ક્રીમ કલરના ફૂલ આવે છે. જોકે, ભાંગ છે એ ભાંગના છોડના પાન, ફૂલ અને દાંડલીમાંથી ચૂર્ણ તૈયાર થાય તેને ભાંગ કહેવામાં આવે છે.
ભાંગથી બીજા કયા નશીલા પદાર્થો મળે: આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણના પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, ભાંગના છોડમાંથી 3 વસ્તુ પ્રાપ્ત થાય છે. તેમાં પાન, ફૂલ અને દાંડલીનું ચૂર્ણ બનાવીને ભાંગ બનાવાય છે. તેને જેટલી મસળવામાં આવે એટલી તેજ બને છે. જ્યારે સ્ત્રી પ્રજાતિના ફૂલ છે. તેને સળગાવીને ચિલમ સ્વરૂપે ગાંજો કહેવાય છે. જ્યારે સ્ત્રી અને પુરુષ પ્રજાતિના બંનેના ફુલમાંથી એક રેજિંગ મળે છે. જે લાળ જેવો હોય છે. તેને અલગ કરવામાં આવે છે અને તેમાંથી ચરસ બને છે. આમ એક છોડમાંથી ત્રણ પદાર્થો મળે છે. પરંતુ આયુર્વેદ દવાઓમાં તેની માત્રા કેટલાક રોગોના સારવારની દવામાં નાખવામાં આવે છે.
આયુર્વેદમાં ભાંગની ભૂમિકા: આયુર્વેદ કોલેજના પ્રાધ્યાપક રમેશચંદ્ર પાંડે જણાવ્યું હતું કે, ભાંગ એ આયુર્વેદની દ્રષ્ટિએ કફ નાશકનું કામ કરે છે. ખાસ કરીને વસંત ઋતુમાં કફનો પ્રકોપ વધી જાય છે ત્યારે આ ભાંગ પણ વસંત ઋતુમાં આવતી હોય છે. આથી 2 થી 3 ગ્રામ લેવામાં આવે તો કફનો નાશ કરે છે. વધુ માત્રામાં લેવાથી તે નશાકારક બની જાય છે. એટલે તેનું સેવન પણ આયુર્વેદ ક્ષેત્રે દવા સ્વરૂપે થતું આવ્યું છે. આયુર્વેદની કેટલીક દવાઓમાં પણ ભાંગનો અંશ હોય છે. આ સાથે ભાંગથી ઝાડામાં પણ ઉપયોગી થાય છે. એન્ટિકલવર્ઝન હોવાને કારણે વાઈ આવવામાં પણ મદદરૂપ થાય છે. ભાંગથી ભૂખમાં પણ વધારો થાય છે. બાજીકર એટલે કે, સેક્સ્યુઅલ પાવર વધારવામાં પણ તે ઉપયોગી છે.
ભાંગમાં ક્યાં કેમિકલ મળે: આયુર્વેદ કોલેજના પ્રાધ્યાપક રમેશચંદ્રએ જણાવ્યું હતું કે, ભાંગના છોડની અંદર કેનાબીલઓલ, રેજિંગ, કેલ્શિયમ, ફોસ્ફેટ અને ઉડનશીલ ઓઇલ હોય છે. વધારે પડતું સેવન કરવાથી તે નશાકારક બને છે અને દિમાગ ઉપર જે કેનાબીલઓઇલ તે અસર કરે છે. તેનો મેડિકલ રીતે માત્રામાં ઉપયોગ થાય તે સૌથી સારું છે. જ્યારે હાલમાં નવા થયેલા રિસર્ચ પ્રમાણે ઘણા એવા વાયરસ છે. જેને મારવાનું કામ ભાંગ કરે છે. ઉપરોક્ત માહિતી પ્રાધ્યાપક આયુર્વેદ કોલેજના દ્રવ્યગુણ વિભાગના રમેશચંદ્ર પાંડે દ્વારા ઉપલબ્ધ કરાઈ છે
(ડિસ્ક્લેઈમર: આ લેખમાં આપેલ તમામ માહિતી જે તે સંસ્થાના નિષ્ણાંત કે વ્યક્તિ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેથી આ અંગે ETV BHARAT કોઈ પુષ્ટિ કરતું નથી. જેની વાચકમિત્રોએ નોંધ લેવી.)
આ પણ વાંચો: