જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં પ્રથમ મોડલ ડે સ્કૂલ શરૂ થવા જઈ રહી છે. જેની તમામ તૈયારીઓ રાજ્યના શિક્ષણ વિભાગની સૂચનાથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં આધુનિક મોડલ ડે શાળામાં ધોરણ 6 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓને બિલકુલ વિનામૂલ્યે આધુનિક અને 21 મી સદીનું શિક્ષણ વૈશ્વિક સુવિધાઓની વચ્ચે આપવામાં આવશે.
જૂનાગઢમાં શરૂ થશે પ્રથમ મોડલ ડે સ્કૂલ
રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જિલ્લામાં મોડલ ડે સ્કૂલો શરૂ કરવાને લઈને શિક્ષણ વિભાગને સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં પ્રથમ મોડલ ડે સ્કૂલ માટે જૂનાગઢ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. તે મુજબ જૂનાગઢ શહેરમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવાની યોજનાની યુધ્ધના ધોરણે કામગીરી શરૂ થઈ છે.
શાળામાં 50% સીટ કન્યાઓ માટે આરક્ષિત
મોડલ ડે સ્કૂલમાં 21મી સદીના આધુનિક શિક્ષણને ધ્યાને રાખીને શાળા સંકુલ નિર્માણ કરવામાં આવશે. જેમાં ધોરણ 6, 9 અને 11 માં ક્રમશઃ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. સરકાર દ્વારા શાળામાં જેટલી વિદ્યાર્થીઓની સંખ્યાનું મહેકમ મંજૂર કરવામાં આવશે તે પૈકીની 50% સીટ કન્યાઓ માટે અનામત રાખવામાં આવશે. આ સિવાય એડમિશન મેળવનાર પ્રત્યેક વિદ્યાર્થીને શાળાનો યુનિફોર્મ પુસ્તકો અને શિક્ષણ વિનામૂલ્યે આપવાની વ્યવસ્થા કરાઈ છે.
સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કેવી કેવી ખાસ વ્યવસ્થા?
મોડલ ડે સ્કૂલ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ભાવસિંગ વાઢેરે જણાવ્યું કે, વધુમાં વિદ્યાર્થીઓને શાળાથી તેમના ઘર સુધી જવા માટે વાહન વ્યવસ્થા પણ વિના મુલ્યે કરવામાં આવશે. શાળામાં જ બપોરના સમયે ભોજન અને સાંજના સમયે પૌષ્ટિક નાસ્તો પણ સરકાર દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીને વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે. આ સિવાય વિદ્યાર્થીઓની શિક્ષણ સાથેની રમતગમત અને અન્ય પ્રવૃત્તિમાં પણ ખૂબ સારું કામ કરી શકે તે માટે રમતગમત અને ઈત્તર પ્રવૃત્તિના વર્ગો પણ મોડલ ડે સ્કૂલમાં શરૂ કરાશે. સ્માર્ટ ક્લાસ, આધુનિક વર્ગખંડો સાથેની જિલ્લાની પ્રથમ ડે સ્કૂલ આગામી દિવસોમાં આધુનિક ભવન સાથે શરૂ કરવાની તૈયારીઓ શિક્ષણ વિભાગે શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: