દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના દુધની ટુરિસ્ટ પોઇન્ટ પર પ્રવાસે નીકળેલા સુરતના 4 પ્રવાસીઓના મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, ઘટના દૂધની રોડ પર બની છે. મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, આ ઘાટવાળા માર્ગ પર પ્રવાસીઓની કાર એક પથ્થર સાથે ટકરાઈ પલટી ગઈ હતી, જેમાં 4 પ્રવાસીઓના મોત અને એક વ્યક્તિ ઘાયલ થયો છે.
ઘટના એમ બની હતી કે, દાદરા નગર હવેલીના ખાનવેલ દુધની રોડ પર ઉપલા મેઢા ગામે સુરતના પાંચ મિત્રો કારમાં ખાનવેલ તરફ આવી રહ્યા હતા, તે સમયે ઘાટ ઉતરતી વખતે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર એક મોટા પથ્થર સાથે ટકરાયા બાદ ત્રણથી ચાર વાર પલટી મારી ગઈ હતી. અહીં સર્જાયેલ આ કાર અકસ્માતમાં સવાર 4 વ્યક્તિનાં ઘટના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
અકસ્માતની ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતાં અને કારનું પતરૂ કાપી અંદર સવાર દરેક વ્યક્તિના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક અને એક ઘાયલ વ્યક્તિને ખાનવેલ સબ જીલ્લા હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા.
વિગતો મુજબ, કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોમાં 45 વર્ષીય હસમુખ માગુંકિયા, 45 વર્ષીય સુજીત પુરુષોત્તમ કલાડિયા, 38 વર્ષીય સંજય ચંદુ ગજ્જર, 34 વર્ષીય હરેશ વડોહડિયા સામેલ હતા. આ તમામ મૃતકો વેડ રોડ, સુરતના રહેવાસી હતા. જ્યારે 24 વર્ષીય સુનીલ કાલિદાસ નિકુડે આ અકસ્માતમાં બચી ગયો છે. સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: