બનાસકાંઠાઃ પાલનપુરમાં વર્ષો જુના એરોમા સર્કલના ટ્રાફિક પ્રશ્ન મુદ્દે અનેકવાર રજૂઆતો બાદ પરિણામ ન મળતા હવે નગરજનો આકરા મૂડમાં જોવા મળી રહ્યા છે આજે નગરજનો ધરણાં પર બેસીને મંત્રી નીતિન ગડકરીને 5,000 જેટલા પોસ્ટકાર્ડ લખવાનું અભિયાન ઉપાડી લીધું છે.
વર્ષોથી એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. જે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે અનેકવાર નગરજનો અને આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ રજૂઆતનું આજ દિન સુધી કોઈજ નક્કર પરિણામ મળ્યું નથી. ત્યારે આખરે કંટાળીને નગરજનોએ સરકાર સામે અને તંત્રની આંખો ઉઘાડવા માટે ધરણાં ઉપર બેસીને 5000 પોસ્ટ કાર્ડ લખવાનું અભિયાન હાથ કર્યું છે.
ધરણા ઉપર બેઠેલા સિનિયર સિટીઝને કહ્યું કે, વર્ષોથી અરોમા સર્કલના ટ્રાફિક પ્રશ્નને લઈ લોકો હાલાકી વેઠી રહ્યા છે આ અંગે અનેકવાર નગરજોનો દ્વારા નિરાકરણ લાવવાના યોગ્ય સૂચનો પણ તંત્ર સમક્ષ રજુ કર્યા છે પરંતુ તંત્ર છે કે જાણે આ બાબતે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં સફળ નિવડ્યું નથી અને હાઇવે ઉપર સર્જાતા ટ્રાફિક જામના કારણે નગરજનો મુશ્કેલી જ નહીં પરંતુ અનેક યાતના ભોગવવા માટે જાણે તંત્રના પાપે મજબૂર બન્યા છે.
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પણ હાઇવે પરના દબાણો દૂર કરવામાં નથી આવતા બીજી તરફ જે મોટા વાહનો પાલનપુર શહેરના હાઈવેથી જ પસાર થાય છે ત્યારે એરોમા સર્કલ ઉપર રાત દિવસ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે અહીંયા અકસ્માત તો વધી જ રહ્યા છે સાથે નગરજનો અકસ્માતે મોતને પણ ભેટી રહ્યા છે તાજેતરમાં જ એક દીકરી પણ અકસ્માતનો ભોગ બનતા તે મોતને ભેટી છે.
નગરજનો આજે પાલનપુર કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ નજીક મુલ્કીભવનની બાજુમાં જ ધરણા ઉપર બેસી ગયા હતા અને એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાનુ વહેલી તકે નિરાકરણ લાવવાની તેમને માંગ કરી છે અને આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાનુ નિવારણ નહીં આવે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે સાથે આ રજૂઆતોને વધુ વેગ આપવાની પણ તેમને ચીમકી ઉચ્ચારી છે.ધરણાં પર બેઠલા નગરજનોએ કહ્યું કે ઘરે ઘરે અમે પોસ્ટ કાર્ડ પહોચાડી 5 હજાર જેટલા પોસ્ટકાર્ડ મંત્રી નીતિન ગડકરીને મોકલશો અને અમારું આ અભિયાન મક્કમતા સાથે આગળ વધારીશું.
મહત્વનું છે કે તાજેતરમાં જ લાખ રૂપિયા ખર્ચ કરી અરમાન સર્કલની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે રોડ રસ્તા પહોળા કરીને ડિવાઈડર મૂકવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી આ ટ્રાફિકની સમસ્યા નો પ્રશ્ન જૈસે થે જેવી જેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ત્યારે હાલાકી ભોગવતા નગરજનો હવે ટ્રાફિક સમસ્યાનો પ્રાણ પ્રશ્નનો ઉકેલ આવે તે માટે મક્કમતા સાથે પોતાની માંગ ઉગ્ર બનાવી રહ્યા છે અને આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યામાંથી પાલનપુર વાસીઓને મુક્તિ મળે તેવી માંગ તેઓ કરી રહ્યા છે.