સુરત: સુરત શહેરના વરીયાવ વિસ્તારમાં બે વર્ષના માસૂમ બાળકનું ખુલ્લી ગટરમાં પડી ગયા બાદ દુ:ખદ મૃત્યુ થયું હતું. ઘટના બાદ હવે સુરત મહાનગરપાલિકાએ કડક પગલાં લીધા છે. મનપાએ ચાર અધિકારીઓને શો-કોઝ નોટિસ જારી કરી છે.
અધિકારીઓને નોટિસ અપાઈ
આ અંગે સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યા મુજબ, બાળકના મૃત્યુ બાદ તેઓ અને અન્ય પદાધિકારીઓની ટીમ સ્મીમેર હોસ્પિટલમાં પરિવારને સાંત્વના આપવા પહોંચી હતી. ત્યારે જ તેમણે 24 કલાકમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. કમિશનરે રાંદેર ઝોનના કાર્યપાલક ઈજનેર, ડેપ્યુટી ઈજનેર, જુનિયર ઈજનેર અને સુપરવાઈઝરને નોટિસ પાઠવી છે. આ અધિકારીઓએ તબક્કાવાર રીતે બેથી સાત દિવસની અંદર પોતાનો જવાબ રજૂ કરવાનો રહેશે. તપાસમાં જો અન્ય કોઈ અધિકારીની સંડોવણી મળશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
મેયરે સ્પષ્ટ કર્યું કે, ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવશે. પોલીસે પણ આ મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ છે. તપાસના અંતે જો કોઈ અધિકારી દોષી સાબિત થશે તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
ખુલ્લી ગટરમાં પડી ગયો હતો બાળક
ખાસ છે કે, સુમન-સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ નામનો 2 વર્ષનો બાળક 5 ફેબ્રુઆરીએ સાંજે 5.30 વાગ્યે તેની માતા સાથે બુધવારી વિસ્તારમાં ગયો હતો. જ્યાં બાળકે આઇસક્રીમ ખાવાની જિદ સાથે માતાનો હાથ છોડાવીને દોડ મૂકી હતી, જે દરમિયાન તે 120 ફૂટના રોડ પર આવેલી 3 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં તે પડી ગયો હતો.
24 કલાકથી ચાલી રહી હતી બાળકની શોધખોળ
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિકોએ બાળકની શોધખોળ શરૂ કરી હતી. બાળક ન મળતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કેમેરાની મદદથી ડ્રેનેજ લાઈનમાં તપાસ શરૂ કરી હતી. મોડી રાત સુધી ચાલેલી કામગીરી બાદ બીજા દિવસે (6 ફેબ્રુઆરી) NDRFની ટીમની મદદથી શોધખોળ ફરી શરૂ કરવામાં આવી હતી.
આ ઘટના વધુ કરુણ એટલા માટે બની કે માત્ર ત્રણ દિવસ પહેલાં જ આ માસૂમ બાળકનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે 24 કલાક સુધીની શોધખોળ માટે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. 2 વર્ષના માસુમના આ પ્રકારે આકસ્મિક મોતથી પરિવારજનો પર દુઃખનો પહાટ તૂટી પડ્યો હતો.
આ પણ વાંચો: