ગાંધીનગર: રાજકોટ અગ્નિકાંડમાં સરકારે કડક વલણ અપનાવ્યું છે. અગ્નિકાંડમાં SIT તપાસના ત્રીજા દિવસે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિત વધુ કેટલાક અધિકારીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આજે SIT તપાસના ત્રીજા દિવસે પણ અધિકારીઓને પૂછપરછનો દોર શરૂ છે. ગેમઝોન અગ્નિકાંડમાં શંકાસ્પદ ભૂમિકા ભજવેલા વધુ કેટલાક અધિકારીઓને સિંગલ ગાડીમાં પૂછપરછ માટે ગાંધીનગર પોલીસ ભવન બોલાવવામાં આવ્યા હતા. ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના TPO અને કાર્યપાલક ઈજનેરને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
રાજકોટ ચીફ ફાયર ઓફિસરનું નિવેદન લેવાયું:ગત ગુરુવારે રાજકોટના ચીફ ફાયર ઓફિસરનું નિવેદન લેવામાં આવ્યું હતું. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને બે પોલીસ અધિકારીના ગાંધીનગર ખાતે નિવેદન લેવાયા હતા. SIT દ્વારા તપાસની ગુપ્તતા જાળવવામાં આવી છે. ગઈકાલે શુક્રવારે રાજકોટ મહાનગરપાલિકાના TPO અને કાર્યપાલક ઈજનેરની પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે ગુરુવારે ચાર અધિકારીની પૂછપરછ કરાઇ હતી. SITએ મનપા અધિકારીઓની પણ પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા છે. ગેમ ઝોન 2021 થી ધમધમતો હતો ત્યારે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારીઓએ શું ધ્યાન રાખ્યું? તે ઉપરાંત મનપાના ઇજનેરોએ પણ દિવસ રાત ધમધમતા ગેમ ઝોનમાં કેમ કોઈ તપાસ કરી નહીં. ગેમઝોનમાં NOC, ચકાસણી, અધિકારીઓની જવાબદેહી અંગે પૂછપરછ હાથ ધરાઈ હતી.
DGP વિકાસ સહાય પૂછપરછ કરશે:મહાનગરપાલિકાના અધિકારીઓની ભૂમિકા, જવાબદારી અને અમલવારી અંગે નિવેદન લેવામાં આવ્યા છે. SIT તપાસમાં કોઇ વિક્ષેપ ન પડે માટે તપાસ ગુપ્ત રખાઇ છે. ત્રીજા તબક્કામાં અન્ય સંબંધિત અધિકારીઓને તપાસ માટે બોલાવાશે. રાજકોટ અગ્નિકાંડ બદલી પામનારા IAS અને IPSની સોમવારે પૂછપરછ થાય તેવી સંભાવના છે. DGP વિકાસ સહાય પૂછપરછ હાથ ધરશે. પોલીસ ભવન ખાતે તમામ અધિકારીને બોલાવ્યા છે. 2021 થી અત્યાર સુધી તત્કાલિન ફરજ પરના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂછપરછ માટે વિશેષ પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે. રાજકોટ TRP ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટના અંગે એક બાદ એક નવી માહિતીઓ સામે આવી રહી છે.
અધિકારીની ભૂમિકા જણાશે તો FIR નોંધાશે: તપાસ સ્ટેટસ, નિવેદન અને કાર્યવાહી અંગે માહિતી આપી SIT વડાએ ગૃહ રાજ્ય મંત્રીને બેઠકમાં આપેલી માહિતી અનુસાર ઘટના ઘટી ત્યારથી લઈને અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ તેમજ તપાસ દરમિયાન લેવામાં આવેલા નિવેદન તેમજ નિવેદનને આધારે કરેલી કાર્યવાહી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત આગામી સમયમાં જે જે લોકો તપાસ દરમિયાન સામે આવનારી માહિતીને આધારે જે તે વ્યક્તિ કે અધિકારી નિવેદન લેવા માટે જરૂરી મંજુરી બાબતની ચર્ચા કરવામાં આવી હતી. SITની તપાસમાં જો કોઈ અધિકારીઓની ભૂમિકા સમગ્ર પ્રકરણમાં શંકાસ્પદ જણાશે તો તેમની વિરુદ્ધ FIR કરવામાં આવશે.
SIT વડાએ આપી ચીમકી:SITના વડા સુભાષ ત્રિવેદીએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, અગ્નિકાંડમાં કોઈપણ દોષિત અધિકારીઓને છોડવામાં નહીં આવે. સમગ્ર પ્રકરણમાં બદલી પામેલા IAS અને IPS અધિકારીઓની પણ પૂછપરછ આજથી શરૂ થઈ છે. ઉચ્ચ અધિકારીઓને પણ નિવેદન નોંધાવા માટે SITનું તેડું આવશે. દેશભરમાં ચકચાર મચાવનાર રાજકોટ અગ્નિકાંડમાં SITની તપાસમાં કશું નીકળશે કે SITના નામે સરકાર સમય પસાર કરી રહી છે તેની પર સમગ્ર રાજ્યની જનતાને મીટ મંડાયેલી છે. ભૂતકાળમાં સર્જાયેલા અકસ્માતોમાં સરકાર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ઉણી ઉતરી છે. આ વખતે સરકાર ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરે તે જોવું રહ્યું.
- આરોગ્ય સંસ્થાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે આરોગ્ય કમિશનરે આપ્યા જરૂરી સૂચનો, વિશેષ ફાયર મોકડ્રીલ યોજાશે - Fire safety
- રાજકોટ અગ્નિકાંડને લઈને માનવાધિકાર પંચનું કડક વલણ, જવાબદારો સામે કાર્યવાહી અંગે પંચ આપશે ડાયરેક્શન - State Human Rights Commission