વલસાડ: હાફૂસ કેરીના સ્વાદ લેનાર રસિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં વિપુલ પ્રમાણમાં મોર જોવા મળ્યા છે. ગત વર્ષમાં જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદને લીધે આંબા પર ફૂલ આવવાની સીઝનમાં જ વરસાદી પાણીને લીધે પાકને નુકસાન પહોંચ્યું હતું. પરંતુ આ વર્ષે આંબા પર મોર પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યા છે. જેને લઈને ખેડૂતોમાં આશા બંધાઈ છે કે, કેરીનું ઉત્પાદન આ વર્ષે સારું રહેશે.
આંબા પર મોરની સીઝન: સામાન્ય રીતે આંબાવાડીઓમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી, માર્ચ સુધીમાં આંબા પર ફૂલ બેસતા હોય છે અને એ ફૂલની કળીઓમાં કેરી બેસે છે. આંબા પર જેટલા વધારે મોર હોય તેટલા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન શક્ય હોય છે. મોટાભાગે હાફૂસ અને કેસર જેવી કેરીની જાતોને વાદળછાયું વાતાવરણ પણ સીધી અસર કરતું હોય છે. જેટલી વધારે પ્રમાણમાં ઠંડી હોય છે, એટલા જ પ્રમાણમાં મોર વધુ જોવા મળે છે.
વલસાડમાં 38 હજાર હેકટર આંબાવાડીમાં મોટી માત્રામાં મોર આવ્યા (ETV BHARAT GUJARAT) મોર ટકાવવા રાસાયણિક દવાનો ઉપયોગ: આંબાવાડીઓમાં ઉત્પાદન વધારવા માટે ડિસેમ્બર માસથી જ ખેડૂતો સક્રિય થઈ જતાં હોય છે. આંબે આવેલા મોર (ફ્લાવરિંગ) ને ટકાવી રાખવા માટે ઘણી જગ્યા ઉપર ખેડૂતો રાસાયણિક દવાઓનો છંટકાવ કરતા હોય છે. તો કેટલાક ગામડાઓમાં આજે પણ ઓર્ગેનિક પદ્ધતિનો ઉપયોગ આંબાવાડીઓ કરાઈ છે.
વલસાડમાં 38 હજાર હેકટર આંબાવાડીમાં મોટી માત્રામાં મોર આવ્યા (ETV BHARAT GUJARAT) 38 હજાર હેક્ટરમાં આંબાવાડી: વલસાડ જિલ્લા પંચાયત બાગાયત વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, વલસાડ જિલ્લામાં 38000 હેકટરમાં આંબાવાડી આવેલી છે. વલસાડના 6 તાલુકામાં હાફૂસ, કેશર, લંગડો, દશેરી જેવી અનેક જાતોનું વાવેતર જોવા મળે છે. ગત વર્ષે માવઠાને લીધે ઉત્પાદન પર અસર થઈ હતી. જેથી ગત વર્ષે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન ભોગવવું પડ્યું હતું.
વલસાડમાં 38 હજાર હેકટર આંબાવાડીમાં મોટી માત્રામાં મોર આવ્યા (ETV BHARAT GUJARAT) વર્ષની મહેનત પાક ઉત્પાદન ઉપર રહેલી છે: કેરીનો પાક વર્ષમાં ફક્ત એક જ વાર લેવામાં આવે છે. જાન્યુઆરી માસમાં આંબાવાડીમાં મોર આવ્યા. બાદ માર્ચ એપ્રિલ સુધીમાં આંબા ઉપર નાની કેરીઓ બેસી જતી હોય છે. મે માસમાં કેરીઓ ચુસ્ત થઇ જાય છે. એને જાળવી રાખવા માટે ખેડૂતો સમગ્ર વર્ષ દરમ્યાન મહેનત કરતા હોય છે. રાસાયણિક દવા ખાતર સહિતનો ખર્ચ પણ કરતા હોય છે.
આંબાવાડીઓમાં આંબા પર પુષ્કળ મોર: વલસાડ જિલ્લાના 38,000 હેક્ટર પૈકી કપરાડા, ધરમપુર અને વલસાડ તાલુકાઓમાં આવેલી અનેક આંબાવાડીઓમાં છેલ્લા એક મહિનામાં વિપુલ પ્રમાણમાં આંબાવાડીએ મોર જોવા મળ્યા છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈને માર્ચ મહિના સુધીમાં આંબાવાડીઓમાં મોર જોવા મળે છે અને વધુ પ્રમાણમાં થયેલા મોર બાદ કેરીનું ઉત્પાદન નક્કી થતું હોય છે. સરેરાશ મોરના આધારે કેરીનું ઉત્પાદન કેટલું થશે, તે અનુભવી ખેડૂતો અંદાજ લગાવતા હોય છે.
કેરીનું ઉત્પાદન વધે તેવી આશા: આમ, આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં આંબવાડીઓમાં મોર જોવા મળતા ખેડૂતોમાં કેરીનું ઉત્પાદન વધુ આવે, એવી આશા બંધાઈ છે. તેમજ કેરી ખાનારા રસિયાઓ માટે પણ ઉત્પાદન વધુ રહે, તો કેરીનો સ્વાદ પણ વધુ સમય માટે ચાખવા મળે, એવી આશા સેવાઈ છે.
આ પણ વાંચો:
- ઉત્તરાયણ પર્વે દમણમાં સેલ્ફી સ્ટ્રીટનું લોકોમાં આકર્ષણ, સેલ્ફી લેવા પર્યટકોની ભીડ
- વલસાડના આદિવાસી પટ્ટામાં ધમધમતી બોગસ તબીબોની હાટડીઓ, ધરમપુરમાંથી ત્રણ 'મુન્નાભાઈ' ઝડપાયા