ગાંધીનગર:ગુજરાતની રાજધાની ગાંધીનગર લોકસભા સીટના ચૂંટણી પરિણામો પર સમગ્ર દેશની મીટ મંડાયેલી હતી. આ લોકસભા સીટ પરથી પૂર્વ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સતત બીજી ટર્મ માટે મેદાનમાં હતા. સ્થાનિક નેતાઓ દ્વારા ગુજરાતમાં સૌથી વધુ લીડ અમિત શાહને મળે તેવું આયોજન કરાયું હતું. આ સાથે ભાજપ દ્વારા ગાંધીનગરમાં અમિત શાહને દસ લાખની લીડ મળશે તેવો દાવો પણ કરાયો હતો. અને સૌની રાહ તો અંત આવતા આ સીટ પરથી કોંગ્રેસના હરીફ ઉમેદવાર સામે અમિત શાહ 7,44,716 મતેથી વિજય થયો છે. જે ગત ચુંટણી કરતા 1.88 લાખ કરતાં વધુ મતની લીડ છે. અહી નોંધનીય બાબત એ છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં અમિત શાહને સૌથી વધુ 2.18 લાખ મતની લીડ મળી છે.
વધુ લીડનો નવો વિક્રમ અમિત શાહના નામે: ગાંધીનગર ઉત્તર બેઠક પર અમિત શાહને 98,893 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના સોનલબેન પટેલને 40,293 મત મળ્યા છે. આ સાથે બેઠક પર અમિત શાહને 98, 600 મતની લીડ મળી છે. તેવી જ રીતે કલોલ વિધાનસભા મત વિસ્તારમાં અમિત શાહને 1,18,099 મત મળ્યા છે, જ્યારે સોનલ પટેલને 38,716 મત મળ્યા છે. એટલે કે અમિત શાહને કલોલ વિધાનસભા વિસ્તારમાંથી 79,373 મતની લીડ મળી છે. જો સાણંદ બેઠકની વાત કરવામાં આવે તો ભાજપને સાણંદ બેઠક પર 1,39,348 મત મળ્યા છે. તેની સામે કોંગ્રેસને 40410 જ મત મળ્યા છે. જેથી સાણંદમાં અમિત શાહને 99,938 મત ની લીડ મળી છે. તેવી જ રીતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની સીટ ઘાટલોડીયા થી અમિત શાહ અને સૌથી વધુ 2,43,220 મળ્યા છે અહીં કોંગ્રેસને માત્ર 24000 જ મત મળ્યા છે. આથી અમિત શાહને અહીથી 2.18 લાખની જંગી લીડ મળી છે. વેજલપુરમાં ભાજપને 1,45,216 મત મળ્યા છે. અહીં કોંગ્રેસને 79,663 મળતા ભાજપની લીડ 65,763 થઈ છે.
આ જ પ્રમાણે એક સમયે અમિત શાહનો પોતાનો મત વિસ્તાર નારણપુરમાં ભાજપને 1,18,911 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 17257 મત મળતા ભાજપને અહીં 1.01 લાખ મતની જંગી લીડ મળી છે. સાબરમતી મતવિસ્તારની વાત કરવામાં આવે તો અહીંથી ભાજપને 1,36,287 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને માત્ર 20,355 મત મળ્યા છે. તેથી ભારતીય જનતા પાર્ટીની લીડ 1,15,932 થઈ છે.
આ બેઠક ભાજપે વધુ મજબૂત કરી:આમ ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના અમિત શાહને 10,10,972 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના હરીફ ઉમેદવાર સોનલ પટેલને માત્ર 2,66,256 મત જ મળ્યા છે. જેથી આ બેઠક ભાજપે વધુ મજબૂત કરી છે. અને ગત ચૂંટણી કરતાં 1.88 લાખ મતની લીડ વધારી છે. અમિત શાહનો ગાંધીનગરથી 7.44 લાખ મતની લીડથી વિજય થયો છે.