ધવલ પટેલ વાંસદાના ઝરી ગામના વતની છે વલસાડ : લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. વલસાડ ડાંગ બેઠક ઉપર પણ કોંગ્રેસ અને ભાજપ એ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જેઓ પ્રચાર કાર્યમાં જોડાયા છે. ત્યારે મૂળ વાંસદામાં ઝરી ગામના વતની ભાજપના ઉમેદવાર ધવલ પટેલે જાહેર મંચ ઉપરથી પોતે વલસાડના જમાઈ હોવાની ઓળખ આપવી પડી છે અને જમાઈની આગતાસ્વાગતા મતોથી કરવા માટે લોકોને જણાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિવિધ સ્થળોની ઓળખાણ કાઢવાની આદતો પડી છે. તેઓ બધું કહેશે પરંતુ ભૌગોલિક પરિસ્થિતિના પ્રશ્નો જાણવા અને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ
ધવલ પટેલના નામથી અપસેટ સર્જાયો હતો : વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ઉમેદવારની રેસમાં અનેકના નામો ચર્ચામાં હતા. પરંતુ ભાજપ મોવડી મંડળ દ્વારા અચાનક જ ધવલ પટેલનું નામ જાહેર કરવામાં આવતા એક સમયે ખુદ કાર્યકર્તાઓ પણ તેને શોધતા થઈ ગયા હતા. કારણ કે તેમને કોઈ ઓળખતું જ ન હતું. જોકે બાદમાં તેઓ આઇટી સેલમાં કામ કરતા હોવાનું બહાર આવ્યા બાદ તેઓ મૂળ વાંસદામાં ઝરી ગામમાં હોવાનું જાણવા મળ્યું હતું. અચાનક જ અજાણ્યા ઉમેદવારનું નામ જાહેર થતાં એક સમયે ભાજપમાં પણ અપસેટ જોવા મળ્યો હતો.
સ્ટેજ ઉપરથી પોતાની ઓળખ આપે છે : ભાજપમાં ઉમેદવારને ઓળખતો ન હોય ત્યારે તમામ વિધાનસભામાં તેના કાર્યક્રમમાં ઉમેદવાર પોતે પોતાની ઓળખ આપી રહ્યા છે. વલસાડ ડાંગ બેઠક ઉપર ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતારેલા ઉમેદવાર ધવલ પટેલને મતદારો તો કેટલાક ખુદ કાર્યકર્તાઓ પણ તેમને ઓળખતા ન હતા. જેને લઈને ચૂંટણી પ્રચારમાં વિવિધ સ્થળે જઈ રહેલા ધવલ પટેલ દ્વારા વિવિધ સ્થળે સ્ટેજ ઉપરથી પોતાની ઓળખ પોતે આપી રહ્યા છે અને પોતે જણાવી રહ્યા છે કે તેઓ અહીંના જ છે અને મૂળ વાંસદાના ઝરી ગામના વતની છે.
કચી ગામની સભામાં પોતે વલસાડના જમાઈ હોવાનું જણાવ્યું :વિવિધ વિધાનસભાઓમાં તેઓ કાર્યકર્તાઓ સાથે અને મતદારો સાથે મુલાકાતનો દોર ચલાવી રહ્યા છે. ત્યારે વલસાડ તાલુકાના કચી ગામ ખાતે કાર્યકર્તાઓ સાથે અને મતદારો સાથેની એક બેઠકમાં તેમણે પોતે જાહેર મંચ ઉપરથી જણાવ્યું કે તેઓ વલસાડના છે અને વલસાડમાં તેમનું સાસરું છે. જેથી તેઓ વલસાડના જમાઈ થયા કહેવાય અને જમાઈની આગતાસ્વાગતા મતદારોએ મત આપીને કરવી જોઈએ.
કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે કરી ટિપ્પણી : ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારમાં વલસાડના જમાઈ હોવાનું ઉમેદવાર જણાવી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અનંત પટેલે જમાઈ અંગેની ટિપ્પણી બાબતે બોલતાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિવિધ સ્થળોની ઓળખાણ આપવાની આદત છે. તેઓ અહીં ગામમાં રહ્યા હતાં. બાળપણ અહીંયા વીત્યું હતું જેવા અનેક સંભારણા લોકો સમક્ષ રજૂ કરે તે સ્વાભાવિક છે. તેમણે કહ્યું કે લોકો સાથે સંબંધ બનાવવા લોકોની વચ્ચે જઈ લોકોના પ્રાણ પ્રશ્નો જાણવાનો પ્રયાસ કરવો જોઈએ, તો જ તેમની સાથે આત્મીયતાનો સંબંધ કેળવી શકાય.
આત્મીયતા કેળવવા લોકબોલી જરૂરી છે : કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે જણાવ્યું કે લોકો વચ્ચે જવા અને આત્મીયતા કેળવવા માટે લોકબોલી લોક પહેરવેશ તેમજ તેમના રીતરિવાજો અને ખાણીપીણી સહિતની ચીજ વસ્તુઓ સાથે સંકળાયવું જરૂરી છે. લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્નો અને જાણવાનો પ્રયાસ કરવો જરૂરી છે. તો જ મતદારો આત્મીય થઈ શકે અને તેમના પ્રશ્નો પણ જાણી શકાય અને તેનું નિરાકરણ લાવવા પણ પ્રયાસ કરી શકાય. જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિવિધ સ્થળોએ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અને પોતે જણાવી રહ્યા છે કે ધરમપુરના આંબા ગામમાં મારું બાળપણ વીત્યું હતું, હતું ધરમપુર સાથે મારે જુનો નાતો છે, જેવા સ્ટેટમેન્ટ આપી લોકોને ભ્રમિત કરી રહ્યા છે. આવા લોકોને બહુરૂપૂ કહી શકાય અને તેવાથી મતદારોએ ચેતીને રહેવું જોઈએ.
ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે : આમ હાલ તો ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે અને બંને ઉમેદવારો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને રાજકીય વાતાવરણ પણ ગરમ બની રહ્યા છે. જોકે હજુ પણ કેટલાક વિસ્તારમાં ભાજપના નવા ઉમેદવારને સ્વીકારવા માટે મતદારો સહિત કાર્યકર્તાઓ પણ આંતરિક કચવાટ જોવા મળી રહ્યો છે.
- Lok Sabha Elections 2024 : રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વ બેઠક પર ઉમેદવારી પાછી ખેંચી, જાણો શું આપ્યું કારણ...
- Lok Sabha 2024: ધવલ પટેલનો અનંત પટેલની ટિપ્પણીનો વળતો જવાબ- હું લોકોની સેવા માટે પરત વતન ફર્યો છું, હું અહીંનો સ્થાનિક જ છું, બહારનો નથી