પોરબંદર:4 જૂનના રોજ લોકસભા ચૂંટણીની મત ગણતરી થવાની છે. અને પરિણામ સાથે જાહેર થશે કે આગામી પાંચ વર્ષ માટે કેંદ્રમાં કોની સત્તા રહેશે. આ સાથેજ 4 જૂન માટે મતગણતરીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જેમાં પોરબંદરની પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી કેન્દ્ર રાખવામાં આવ્યો છે. ઉપરાંત લોકસભામાં સમાવિષ્ટ ૭૩-ગોંડલ, ૭૪-જેતપુર, ૭૫-ધોરાજી, ૮૩-પોરબંદર, ૮૪-કુતિયાણા, ૮૫-માણાવદર, ૮૮-કેશોદ સહિતની વિધાનસભા ઉપરાંત માણાવદર અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીનું આયોજન આ કેન્દ્ર પર કરવામાં આવ્યું છે.
4 જૂનના સવારે ૮ કલાકેથી મત ગણતરી શરૂ: તમને જણાવી દઈએ કે, તારીખ ૪ જૂનના સવારે ૮ કલાકેથી મત ગણતરી શરૂ થશે. આ મતગણતરીની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે યોજાનાર મતગણતરી અંગે માહિતી આપી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, ૩ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં પોલિટેકનિક કોલેજના ૪ બ્લોકમાં મતગણતરી યોજાનાર છે. આ માટે ટી.એન. વેંકેટેશ, ચંદ્રન વી. અને અરૂણ બાબુરાવ આનંદકરની ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
૪ બ્લોકમાં કાઉન્ટિંગ પ્રક્રિયા થશે: સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે A,B,C અને F બ્લોક એમ ૪ બ્લોકમાં કાઉન્ટિંગ પ્રક્રિયા થનાર છે. A. બ્લોકમાં જેતપુર, ધોરાજી અને કુતિયાણા, B બ્લોકમાં પ્રથમ માળ ખાતે પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી તેમજ ગ્રાઉન્ડ ફ્લોર ખાતે માણાવદરની લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી થશે. તેમજ C બ્લોકમાં કેશોદ અને D બ્લોકમાં ગોંડલની મતગણતરી થશે. લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ દરેક વિધાનસભાના ૧૪ કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ-અલગ રાઉન્ડમાં મતગણતરીનું આયોજન કરાયું છે. તેમજ પોસ્ટલ બેલેટની ગણતરી માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મતગણતરીમાં કેન્દ્રોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે: ઉપરાંત ગોંડલ - ૧૭, જેતપુર - ૨૨, ધોરાજી - ૧૯, પોરબંદર - ૧૮, કુતિયાણા - ૧૭, માણાવદર - ૨૦, અને કેશોદ - ૧૮ની રાઉન્ડમાં મતગણતરી યોજાનાર છે. મત ગણતરી કેન્દ્ર ખાતે ત્રણ લેયર સિક્યોરિટી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. કોલેજના પ્રવેશ ગેટથી પોલીસ દ્વારા જરૂરી આઈકાર્ડ અને ફ્રીસ્કિંગની કામગીરી બાદ અધિકૃત વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. ૪ જુને પોલિટેકનિક કોલેજ ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોરબંદર લોકસભા અને માણાવદર તથા પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, જેમાં જિલ્લા પોલીસ વડા સહિત ૭ ડિવાયએસપી, ૧૧ પીઆઇ, ૪૭ પીએસઆઈ, ૩૯૦ એએસઆઇ - કોન્સ્ટેબલ, ૪૨ એસઆરપી, ૪૮ સીએપીએફ ફરજ પર તૈનાત રહેશે. મીડિયા રૂમની સાથે મેડિકલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.