કચ્છ: દેશમાં પ્રતિબંધિત હાથીદાંતના ઉપયોગ મામલે પશ્ચિમ કચ્છ પોલીસે કાર્યવાહી કરી છે. ભુજની બજારમાં મણિયાર બેંગલ્સ નામની બંગડીની દુકાનમાં હાથીદાંતમાંથી બંગડીઓ બનાવામાં આવી રહી હતી. જેમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે.
હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણ કરવાનું કારસ્તાન પકડી પાડ્યું:ભુજ શહેર વિસ્તારમાં આવેલા ડાંડા બજારમાં મણિયાર બેંગલ્સ નામની બંગડીયોની દુકાનમાંથી ચોરી છુપીથી હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણ કરવાનું કારસ્તાન પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. કચ્છ જીલ્લામાં ચોરીછુપી રીતે કે છળકપટથી વન્ય પ્રાણી જીવોના અવશેષોના વેપાર પર વોચ રાખવા અને આવી ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે રેન્જ આઇજી દ્વારા સુચના આપવામાં આવી હતી.
હાથીદાંતની બંગળીઓનું ગેરકાયદે વેચાણની મળી બાતમી:પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જીલ્લામાં ચોરી છુપી રીતે કે છળકપટથી વન્ય પ્રાણી જીવોના અવશેષોના વેપાર પર વોચ રાખવા સુચના આપવામાં આવી હતી. જે અતંર્ગત 16 નવેમ્બરના અલગ અલગ સરકારી વાહનોમાં ભુજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાને ખાનગી બાતમી મળી હતી કે ભુજ મધ્યે બજાર ચોકી આગળ ડાંડા બજારમાં આવેલી મણિયાર બેંગલ્સ નામની બંગડીઓની દુકાનમાં હાથીદાંતની અમુક બંગડીયો ચોરી છુપી રીતે બનાવી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.