અમરેલી: સાવરકુંડલાની મધ્યમાંથી નાવલી નદી પસાર થાય છે. આ નાવલી નદી સાવર અને કુંડલા બંને ગામોને અલગ પાડે છે અને આ નદી ઐતિહાસિક નદી છે. રજવાડાના સમયમાં સાવર અને કુંડલા બંને નાના નગર હતા અને જે વચ્ચેથી મધ્યમાંથી આ નદી પસાર થાય છે. જોકે આજના સમયમાં આ નાવલી નદીની સ્થિતિ ખૂબ જ દયનિય બની ગઈ છે. નદીમાંથી ગટરના ગંદા પાણી વહેતા દેખાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે હવે રાજ્ય સરકાર દ્વારા નદી ફરીથી વહેતી કરીને તેના પર રિવરફ્રન્ટ બનાવવાની તજવીજ શરૂ કરાઈ છે.
શું છે નવલી નદીનો ઈતિહાસ?
નદીના ઈતિહાસ વિશે સ્થાનિક મહેબૂબભાઈ કાદરીએ જણાવ્યું કે, સાવરકુંડલા વિસ્તાર શાસક સુમેશર કોટીલાજી હતા ત્યારનો છે અને કુંડલા એક નાનું નગર નહીં પરંતુ નેહડો હતો. સાવરકુંડલામાં એક સાથે 21 જાન આવતી હતી ત્યારે પાણીનો ખૂબ જ પ્રશ્ન થયો હતો. સુમેસર કોટીલા અધ્યામિક હતા જેથી મોટી સંખ્યામાં લોકો સુમેસર કોટીલાજી પાસે ગયા હતા અને જણાવ્યું હતું કે, ખુબજ મોટી સંખ્યામાં માણસો જાન-લગ્નમાં આવવા છે, પરંતુ પાણી નથી અને નદી સુકાઈ ગઈ છે જેવી વાત રજૂ કરવામાં આવી હતી.
સુમેસર કોટીલાજી માતાજીના ઉપાસક હતા. જેથી ખોડિયાર માતાજીના મંદિરે 3 દિવસ ઉપાસના કરવા બેઠા હતા. પરંતુ પોતાને લાગ્યું કે, આનું કઈ પરિણામ નહીં મળે જેથી પોતે આત્મવિલોપન કરવાની તૈયાર કરી હતી. ત્યારે એક ક્ષણ માતાજી બોલતા હોય તેવો ભાસ થયો. જે મુજબ, 'સુમેસર કોટીલા હું તારા ઉપર પ્રસન્ન છું. તારા પ્રશ્ન હું ઉકેલું છું. તારી ઘોડી ચલાવ અને પાછળ ન જોતો આગળ ધૂળ હશે ને ઘોડા પાછળના પગે પાણી હશે, અને નદી કાયમ અખંડ રહેશે.' આથી સુમેસર કોટીલાએ ઘોડી ચલાવી હતી અને આગળમાં પગે રેતી હતી જ્યારે પાછળના પગે પાણીના છબછબિયાં થતા હતા. જ્યાં સુમેસર કોટીલાએ પાછળ જોયું ત્યાં પાણીનો પ્રવાહ સમાઈ ગયો હતો અને મૂળ સ્થાન અને પૂર્ણ થાય ત્યાં બને સ્થળ ઉપર માતાજીના મંદિર આવેલા છે. જે એક ઐતિહાસિક ઘટના હતી.