અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય સૂત્રધાર અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની ગતરોજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એક રાત લોકઅપ વિતાવ્યા બાદ આજ રોજ તેને રિમાન્ડ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ કે જે છેલ્લા બે મહિનાથી ક્રાઈમ બ્રાન્ચની પકડથી દૂર વિદેશ જઈને છુપાયેલ હતો. ગતરોજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આજરોજ તેને રિમાન્ડ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તમામ પ્રકારની બંને પક્ષની દલીલો સાંભળીને 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
રિમાન્ડ માટે મૂકવામાં આવ્યા હતા આ અગત્યના મુદ્દાઓ
આ અંગે વાત કરતા ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરાયેલા આરોપી કાર્તિક પટેલની વિવિધ 12 મુદ્દાઓ સાથે રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રિમાન્ડના મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો કાર્તિક પટેલે સમગ્ર ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડિરેક્ટર અને ચેરમેન તરીકે સેવા આપતો હતો અને તે જ્યારે હોદ્દા ઉપર હતા ત્યારે આ સમગ્ર કૃત્ય તપાસ દરમિયાન મળી આવ્યું હતું.
કાર્તિક પટેલના જ કહેવાથી નકલી ઓડિટ રીપોર્ટ બનાવી હોસ્પિટલને ખોટમાં દર્શાવી
આગળ વાત કરતા ખાસ સરકારી વકીલ વિજય બારોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હોસ્પિટલના તમામ પ્રકારના આર્થિક વ્યવહારો કાર્તિક પટેલના માધ્યમે જ થતા હતા. તે અંગેની તપાસ કરવાની રહે છે. સાથે - સાથે અગાઉ તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલનો જે ઓડિટ રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો તે ઓડિટ રિપોર્ટ નુકસાન અને ખોટ કરતા બનાવવામાં આવ્યા હતા, અને આ ઓડિટ રિપોર્ટ કાર્તિક પટેલની સૂચનાઓ દ્વારા બનાવવામાં આવતા હતા. એટલે એ બાબતે પણ તપાસ કરવાની હતી. સાથે આ જે 16 કરોડ 64 લાખ જેટલા રૂપિયા મા યોજના હેઠળ એન્જીયોગ્રાફી અને એન્જીપ્લાસ્ટિકના ઓપરેશન હેઠળ મેળવેલા છે તે રૂપિયાનું ક્યાં-ક્યાં રોકાણ કર્યું છે તે અંગેની તપાસ કરવાની હતી.