ગણેશ વિસર્જન દરમિયાન બે કોમના ટોળા વચ્ચે તકરાર (ETV Bharat Gujarat) ખેડા :ગણેશોત્સવ દરમિયાન કેટલાક શહેરોમાં કોમી માહોલ ડહોળાયો હતો. હાલ ખેડા જિલ્લાના વસો શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બે કોમના ટોળા વચ્ચે તકરાર થવા પામી હતી. ઘટનાને પગલે SP સહિતનો કાફલો વસો પહોંચ્યો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ કરાયું હતું.
ગણેશ વિસર્જનમાં ઘર્ષણ (ETV Bharat Gujarat) ગણેશ વિસર્જનમાં ઘર્ષણ :ખેડા જિલ્લાના વસો શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી. તે દરમિયાન જુમા મસ્જિદ પાસે DJ વગાડવા બાબતે બે કોમના ટોળા આમને સામને આવ્યા હતા. જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, વિસર્જન યાત્રામાં પોલીસ બંદોબસ્ત હોવાથી પોલીસે વધુ ઘર્ષણ થતું અટકાવ્યું હતું. પોલીસે ટોળા વિખેરી વિસર્જન યાત્રાને આગળ ધપાવી હતી.
ગણેશ વિસર્જન પૂર્ણ થયું :આ ઘટનાને પગલે SP, DySP સહિત SOG, LCB, વસો પોલીસ, નડિયાદ પોલીસ અને માતર પોલીસનો કાફલો વસો પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ટોળા વિખેરી શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જે બાદ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ થયું હતું. આ ઘટનાને પગલે ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ વસો પહોંચ્યા હતા. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
શું હતો મામલો ?આ બાબતે SP રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, વસોમાં પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ વિસર્જન યાત્રા ચાલી રહી હતી. જે સાંજના સમયે જામા મસ્જિદે પહોંચતા કેટલાક લોકોએ ડીજે વગાડવા બાબતે તકરાર કરી હતી. જેને લઈ આમને સામને બોલાચાલી થઈ હતી. પરંતુ થાણા અધિકારી સહિત પોલીસ સાથે હોવાથી બીજું કોઈ ઘર્ષણ થવા દીધું નથી. વિસર્જન યાત્રા ચાલુ રાખી હતી.
પોલીસ વિભાગ કાર્યવાહી :આ બાબતે ગણેશ મંડળના આયોજક દ્વારા 10 થી 12 ઈસમો વિરુદ્ધ ગેરકાયદેસર મંડળીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે ગુનો દાખલ કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. CPI માતર આ કેસની તપાસ કરી રહ્યા છે.
- કચ્છમાં કાંકરીચાળો, ગણેશ વિસર્જન કરી પરત ફરેલા યુવાનો પર પથ્થરમારો
- કર્ણાટકના માંડ્યામાં ગણેશ વિસર્જન દરમિયાન હિંસા, બે જૂથ વચ્ચે પથ્થરમારો