ભાવનગર :મહુવાના એક સમયના ભાજપના ધારાસભ્ય રહેલા કનુભાઈ કળસરિયા બાદમાં ભાજપ સામે બાયો ચડાવી અને ભાજપના વિરોધમાં જતા રહ્યા હતા. ઘણો લાંબો સમય કોંગ્રેસમાં રહ્યા બાદ હાલમાં જ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે કનુભાઈ કળસરિયાનો રૂખ બદલાયો હોય અને ભાજપ તરફનું વલણ દર્શાવ્યું હોય તેવી ચર્ચા જાગી છે. ત્યારે ETV Bharat ના માધ્યમથી સમગ્ર બાબતે કનુભાઈએ પોતાના શબ્દોમાં સ્પષ્ટતા કરી હતી.
ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા :ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો ડુંગળીનું પીઠું કહેવામાં આવે છે. મહુવાનું રાજકારણ પણ વર્ષોથી હંમેશા કેન્દ્રમાં રહ્યું છે. છબીલદાસ મહેતા હોય કે જશવંત મહેતા, મહુવાએ હંમેશા નેતા આપ્યા છે. સારા પદ ઉપર રહેનાર નેતાઓ અને નારીયેળીના કારણે મહુવાને આજે સૌરાષ્ટ્રનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન આવ્યું ત્યારે ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કનુભાઈએ ખેડૂતો માટે નિરમા કંપનીને આવતા રોકવા માટે ભાજપ સામે બાયો ચડાવી હતી.
હાલમાં મેં કોંગ્રેસમાંથી રાજીનામું જરૂર આપી દીધું છે. પરંતુ ભાજપમાં જોડાઈ રહ્યો છું તે હું હાલમાં સ્પષ્ટ કહીશ નહીં. મને આમંત્રણ મળશે તો વાતચીત જરૂર કરવામાં આવશે, ત્યારબાદ નિર્ણય કરીશ. -- કનુભાઈ કળસરિયા
કનુભાઈ ભાજપમાં જોડાશે ?કનુભાઈ કળસરિયા લાંબા સમય બાદ હવે ભાજપમાં ફરી સ્થાન મેળવવા જઈ રહ્યા હોવાની ચર્ચાને પગલે ETV Bharat દ્વારા તેઓની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમારું મન ખુલ્લું છે. અમને કોઈ આમંત્રણ આપે તો તેને લઈને વાતાઘાટો કરી શકીએ છીએ. જોકે હાલમાં મેં કોંગ્રેસમાંથી રાજીનામું જરૂર આપી દીધું છે. પરંતુ ભાજપમાં જોડાઈ રહ્યો છું તે હું હાલમાં સ્પષ્ટ કહીશ નહીં. મને આમંત્રણ મળશે તો વાતચીત જરૂર કરવામાં આવશે, ત્યારબાદ નિર્ણય કરીશ. આવતીકાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું તેને લઈને પત્રકાર પરિષદ કરવાનો છું.
ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા ખેડૂતોના હિતધારક : હંમેશા ભાજપના વિરોધમાં રહેલા કનુભાઈને ભાજપ તરફથી આમંત્રણ મળે તો તમે શું તેઓ ભાજપ પક્ષમાં જોડાઈ શકે છે ? આ અંગે કનુભાઈ કળસરિયાએ જણાવ્યું હતું કે, આપણો વિરોધ સરકારની નીતિઓને લઈને હોય છે. પક્ષમાંથી તો ઘણા લોકો સારું કરવા માંગતા હોય છે, એટલે એમ ન કહી શકાય કે આપણો સંપૂર્ણ વિરોધ તેની સામે છે. સરકારની નીતિઓને લઈને હંમેશા વિરોધ રહેતો હોય છે, મેં હંમેશા ખેડૂતોના હિતમાં જ કામગીરી કરીને વિરોધ નોંધાવ્યો છે.
ઘણા લાંબા સમયથી કનુભાઈ ભાજપની વિરુદ્ધમાં છે. પરંતુ હાલમાં તેમને કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. કનુભાઈની વાતચીત પરથી તેમનું વલણ ક્યાંક કૂંણું પડયું હોય તેવું જરૂર લાગી રહ્યું છે અને ભાજપમાંથી પણ બાંધછોડ કરવામાં આવી હોય તે કનુભાઈના શબ્દો પરથી દર્શાઈ આવી રહ્યું છે. જો કે આગામી દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું.
- Bhavnagar News : ભાવનગરમાં સત્તા ભલે ન મળી પણ સીપીએમના નેતા અરુણ મહેતાનો દબદબો રહ્યો, આજનું રાજકારણ જાણો
- Loksabha Election 2024: ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીની શું રહેશે સ્ટ્રેટેજી? ઉમેશ મકવાણા સાથે ETV BHARATની ખાસ વાતચીત