જૂનાગઢ: જિલ્લામાં આવેલું જૂનાગઢ મ્યુઝિયમ તેના ઇતિહાસને સમેટીને આજે પણ ઉભેલું જોવા મળે છે. જૂનાગઢ મ્યુઝિયમમાં જૂનાગઢના નવાબ ઉપરાંત ભારતના ઇતિહાસ સાથે જોડાયેલી અનેક ચીજવસ્તુઓ પ્રવાસીઓ જોઈ શકે તે માટે નિદર્શનમાં મૂકવામાં આવી છે. જેમાં નવાબના સમયમાં અને 18 થી 20 મી સદી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રકારના હથિયારોનો એક વિભાગ બનાવવામાં આવ્યો છે. આ વિભાગમાં જે-તે સમયે ઉપયોગમાં લેવામાં આવતા કે સૈન્ય પ્રદર્શન વખતે બતાવવામાં આવતા હથિયારો મૂકવામાં આવ્યા છે.
જૂનાગઢનું મ્યુઝિયમ અને 18મી સદીનો ઇતિહાસ:જૂનાગઢમાં આવેલું મ્યુઝિયમ આજે પણ સમગ્ર દેશમાં એક અલગ મ્યુઝિયમની અનોખી ઓળખ ધરાવે છે. અહીં જૂનાગઢના નવાબ તેમજ જૂનાગઢની શાસન વ્યવસ્થા સાથે કેવા પ્રકારના પ્રસંગો જોડાયેલા હતા તેની તમામ અને એક-એક વિગતો સચોટ રીતે નવી પેઢીના આ પ્રવાસીઓને મળી રહે તે પ્રકારે સાચવણી કરવામાં આવે છે.
ઉપરાંત મ્યુઝિયમમાં વિવિધ વિભાગો પાડીને તેમાં નવાબની સાથે જૂનાગઢ રાજ્ય અને 18 થી લઈને 20મી સદી દરમિયાન જોવા મળતી ચીજવસ્તુઓ પ્રવાસીઓના નિદર્શન માટે રાખવામાં આવી છે. જેને જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ બની જાય છે. જૂનાગઢ મ્યુઝિયમમાં વિવિધ વિભાગો પાડીને તેમાં અલગ અલગ પ્રસંગો અને ચીજવસ્તુઓને રાખીને જે-તે સમયમાં તેની ઉપયોગીતા અને મહત્વ આજના સમયમાં લોકોને મળી રહે તે પ્રકારે ગોઠવણી કરવામાં આવી છે.
હથિયાર વિભાગમાં વિવિધ હથિયારોનું પ્રદર્શન: હથિયાર વિભાગમાં વિવિધ હથિયારો પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે. જેમાં ફાયર આર્મ, કોમ્બેટ આર્મ અને ડિફેન્સ આર્મ રાખવામાં આવ્યા છે. આ વિભાગમાં બંદૂક, તલવાર, ગુપ્તી જેવા હથિયારો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. આ હથિયારો મોટે ભાગે રાજા રજવાડાઓના સમયમાં પ્રાસંગિક કાર્યક્રમ વખતે સૈન્ય શક્તિ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા.