જૂનાગઢ: ગોળ બજારમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં એક સાથે ગોળની આવક થતા દેશ લેવલે ગોળની કિંમતમાં 100 થી 150 રૂપિયા સુધીનો ઘટાડો ગીરના ગોળમાં આવી રહ્યો છે. જેને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. પરંતુ શેરડીમાંથી ગોળ બનાવતા નાના ઉદ્યોગકારો માટે પ્રતિ 20 કિલો ગોળના ઉત્પાદનમાં આજના દિવસે 500 થી 700 રૂપિયા નુકસાની ઉઠાવવાનો સમય આવ્યો છે. આગામી દિવસોમાં કોઈ મોટા સ્ટોકિસ્ટો ગોળની બજારમાં સામેલ થાય તો ભાવમાં જે ઘટાડો આજે થઈ રહ્યો છે. તેમાં થોડી સ્થિરતા વધારા સાથે આવી શકે છે.
રાષ્ટ્રીય સ્તરે ગોળના ભાવમાં ઘટાડો:દિવાળી અને ત્યારબાદનો સમય ગીરના ગોળ ઉત્પાદકો માટે ખૂબ સારો માનવામાં આવે છે. દિવાળી બાદ ગીર પંથકમાં 250 કરતાં વધારે ગોળના રાબડાઓ ધમધમતા થાય છે. પરંતુ આ વર્ષે પાછતરા વધારે વરસાદને કારણે શેરડીનું ઉત્પાદન 15 દિવસથી લઈને એક મહિના સુધી મોડું થયું છે. જેની વિપરીત અસર હવે રાષ્ટ્રીય સ્તરે ઉત્પાદિત થયેલા ગોળના બજાર ભાવ મેળવવામાં રાબડા સંચાલકો અને નાના ઉદ્યોગકારોને ભારે મુશ્કેલી થઈ રહી છે.
શેરડીના બજાર ભાવો પહેલેથી જ નક્કી:ગીર પંથકમાં 250 જેટલા રાબડા ગોળની સિઝનમાં ધમધમતા થાય છે. જેને કારણે ગોળ ઉત્પાદન એસોસિએશન દ્વારા ગોળની સીઝન શરૂ થતા પૂર્વે જ એક ટન શેરડીના બજાર ભાવ 2600 થી 3000 નિર્ધારિત કરી દેવામાં આવે છે. જે સામાન્ય રીતે હોળીના દિવસ સુધી જળવાતા જોવા મળે છે. આ સમય દરમિયાન જો રાષ્ટ્રીય સ્તરે ગોળની માંગમાં વધારો થાય તો આવી સ્થિતિમાં ખેડૂતોને પ્રતિ એક ટન શેરડીના બજાર ભાવોમાં જે આજના દિવસે 2800 થી 3000 ખેડૂતોને મળી રહ્યા છે. તેમાં પણ વધારો થવાની શક્યતા હોય છે. પરંતુ ગોળનું બજાર રાષ્ટ્રીય સ્તરે નીચું ચાલતું હોવા છતાં પણ ખેડૂતોને પ્રતિ એક ટન શેરડીના ભાવોમાં કોઈ કપાત કરવામાં આવતી નથી. જેથી ગોળના ઉત્પાદકોને ભારે નુકસાની થઈ રહી છે.