જૂનાગઢ મહાનગરપાલિકાની કામગીરીનું રિયાલિટી ચેક... (ETV Bharat Desk) જૂનાગઢ : હાલમાં જ રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે કેટલાક જાનમાલને નુકસાન થયું હતું. મુંબઈમાં વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતા 14 લોકોના મોત થયા હતા. આ બનાવ બાદ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દોડતું થયું અને શહેરના વિવિધ વિસ્તારમાં જોખમી હોર્ડિગ ઉતારી લેવાયા છે. જૂનાગઢ મનપાની કામગીરીને લઈને ETV Bharat દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.
ચક્રવાતી પવનથી નુકસાન :હાલમાં જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેને કારણે ભારે નુકસાન પણ થયું છે. સોમવારની મોડી રાત્રે જૂનાગઢ જિલ્લામાં પણ તીવ્ર ઝડપે પવન ફૂંકાયો હતો. જેને કારણે શહેરના કેટલાક હોર્ડિંગ ધરાશાયી થયા હતા, કેટલાક પ્લાસ્ટિકના બેનર વડે બનાવવામાં આવેલા હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા. પરંતુ સદનસીબે કોઈ પણ વ્યક્તિને સામાન્ય ઈજા પણ થઈ નથી.
જૂનાગઢ મનપાની કામગીરી : હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે વરસાદ ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જોખમી હોર્ડિંગ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે કેટલાક વિસ્તારમાં મહાકાય હોર્ડિગ હજુ પણ જેમના તેમ જોવા મળે છે. આગામી ચોમાસા પૂર્વે તંત્ર મોટાભાગની કામગીરી પૂર્ણ કરે તેવી શક્યતા છે.
ETV Bharat રિયાલિટી ચેક :ETV Bharat દ્વારા જૂનાગઢના કાળવા ચોક વિસ્તારમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ધ્યાને આવ્યું છે કે, સતત લોકો અને વાહનોની અવરજવરથી ધમધમતા રહેતા આ વિસ્તારમાં કેટલાક હોર્ડીંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા, તો કેટલાક હોર્ડિંગ હજુ પણ જેમના તેમ લાગેલા જોવા મળી રહ્યા છે. સોમવારે મધ્યરાત્રીએ ભારે પવન ફૂંકાયા બાદ વહીવટી તંત્ર પણ સતેજ બન્યું છે.
- મોત નોતરતા હોર્ડિંગ્સ, ભુજ નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે ? મુંબઈવાળી થઈ તો જવાબદાર કોણ ?
- મુંબઈ હોર્ડિંગ દુર્ઘટના બાદ સુરત મનપા જાગ્યું : 68 હોર્ડિંગ ઉતરાવ્યા, સ્ટેબિલિટી રિપોર્ટ મૂકવા આદેશ