જામનગર: જિલ્લાના લીમડા લાઇન વિસ્તારમાં આશરે 31 વર્ષ પુર્વે ગુડ ઇવનીંગ અખબારના તંત્રી સુરેન્દ્રસિંહ જાડેજાની કરપીણ હત્યાના ચકચારી કેસમાં જિલ્લાની સેસન્સ કોર્ટ દ્વારા આજ રોજ ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી પુર્વ પોલીસમેનને તકસીરવાન ઠેરવીને આજીવન કેદની સજા અને દંડનો હુકમ કરાયો છે, જયારે 3 આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કરાયો છે. આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓના મૃત્યુ થયા છે.
કેસમાં કુલ 9 આરોપી હતા: જામનગરના અખબાર ગુડ ઇવનીંગના તંત્રી સુરેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજાની 1993ની સાલમાં લીમડા લાઇન વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા હથિયારોથી હુમલો કરીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે તે વખતે ભારે ચકચારી બનેલા આ કેસમાં 9 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એ પછી પોલીસ દ્વારા આરોપી પુર્વ પોલીસકર્મી સહિતનાઓની અટકાયત કરાઇ હતી અને કોર્ટમાં ચાર્જશીટ કરવામાં ફાઇલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં કુલ 9 આરોપી છે. જેમાં 6 મુખ્ય આરોપીઓ અને 3 અજાણ્યા આરોપીઓનો સમાવેશ થતો હતો. જે પૈકી 5 આરોપીઓના મૃત્યુ થઈ ચુક્યા હતા.
5 આરોપીઓના કેસ દરમિયાન મૃત્યુ નિપજયા: આ મુદ્દે જામનગરની અદાલતમાં ચકચારી હત્યા કેસ ચાલ્યો હતો અને અગાઉ તારીખો પડી હતી તેમજ સ્પે. પી.પી. પણ નિમાયા હતા. લાંબા કાનુની જંગ દરમિયાન પુર્વ પોલીસ આરોપી અનોપસિંહ સહિતના 5 આરોપીઓના કેસ દરમિયાન મૃત્યુ નિપજયા હતા. તમને જણાવી દઈએ કે, આ કેસમાં સાહેદોને તપાસ્યા હતા, પુરાવાઓ એકત્રીત કરાયા હતા અને સરકાર તથા આરોપીઓ તરફે વકિલો દ્વારા દલીલો કરવામાં આવી હતી.