ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ સર્વાનુમતે પાસ, જાણો શું છે બિલમાં જોગવાઇ - Abolition of Superstitions Bill - ABOLITION OF SUPERSTITIONS BILL

ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ વિધાનસભામાં સર્વાનુમતે મંજુર થઈ ગયું છે. આ બિલ પર કોંગ્રેસના 3 અને ભાજપના 5 ધારાસભ્યએ ગૃહમાં પોતાના મત વ્યક્ત કર્યા હતા. Abolition of Superstitions Bill

ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ સર્વાનુમતે પાસ
ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ સર્વાનુમતે પાસ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 21, 2024, 10:29 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને (તેનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024 રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ વિધાનસભામાં સર્વાનુમતે મંજુર થઈ ગયું છે. આ બિલ પર કોંગ્રેસના 3 અને ભાજપના 5 ધારાસભ્યએ ગૃહમાં પોતાના મત વ્યક્ત કર્યા હતા. ચર્ચાને અંતે પ્રસ્તાવ મત માટે બિલ મૂકવામાં આવતા સર્વાનુમતે અંધશ્રદ્ધા વિરોધી બિલ મંજૂર કરવામાં આવ્યું હતું. બિલમાં 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીનો દંડની જોગવાઈ કરાઈ છે. આ ગુનાની દોષિત વ્યક્તિને 6 મહિનાથી ઓછી ન હોય એટલી પણ 7 વર્ષ સુધીની કેદની અને 5 હજાર રૂપિયાથી ઓછા નહીં પણ 50 હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે. તેમજ આ ગુનો બિન જામીનપાત્ર ગણાશે.

કાળો જાદુ રોકવા માટે ગુજરાતમાં કોઇ કાયદો નથી: વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. ત્યારે સત્રના પ્રથમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને (તેનું) નિર્મૂલન કરવા બાબત વિધેયક, 2024, રજૂ કરવામાં આવ્યું હતું. કાળા જાદુ હેઠળ ચાલતી પ્રવૃત્તિને રોકવા માટે ગુજરાતમાં કોઈ ખાસ કાયદો નથી. જો કે વર્ષ 2023 ની સંહિતા મુજબ ગુનો નોંધવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. ખાલી ભારતમાં જ કાળા જાદુની પ્રથા છે. એમ નથી પણ પશ્ચિમી દેશોમાં પણ આ પ્રથા જોવા મળે છે. દરેક જગ્યાએ આ પ્રક્રિયા રોકવા માટે અલગ અલગ કાયદા લાવવામાં આવ્યા છે. આઝાદીના 78 વર્ષ બાદ પણ આ પ્રકારની ઘટના ધ્યાન પર આવે છે જેને રોકવી જરૂરી છે. નવા કાયદા હેઠળ મહત્વના ગુના સામેલ કરવામાં આવ્યા છે. આસ્થા અને માન્યતાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે તેમ બિલ રજૂ કરતી વખતે ગૃહરાજ્ય મંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

લગ્ન થશે એવો વહેમ રાખી બાળકની હત્યા થઇ: રાજ્યમાં બનેલી અનેક ઘટનાના ઉદાહરણ હર્ષ સંઘવીએ ટાંક્યા હતા. બનાસકાંઠામાં નરબલિ આપવાથી લગ્ન થશે. એવો વહેમ રાખી બાળકની હત્યા થઈ હતી. ગીરસોમનાથમાં 14 વર્ષની પુત્રીને વળગણ હોવાની શંકા રાખી પોતાના ખેતરમાં 2 કલાક સુધી આગ લગાવીને દીકરીને ઉભી રાખવામાં આવે છે. દાઝેલી દીકરીને 4-5 દિવસ સુધી ખેતરમાં બાંધીને રાખતા દીકરીએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. પિતા પોતે જ દીકરીનો હત્યારો બને છે. અરવલ્લીમાં ડાકણ હોવાનો વહેમ રાખીને 70 વર્ષીય વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે. સુરતમાં ગુમ પિતાની ભાળ મેળવી આપવાના બહાને સગીર દીકરી પાસેથી પૈસા પડાવ્યા, શારીરિક સંબંધ બાંધ્યા હતા. અમદાવાદના નારણપુરામાં 45 વર્ષનો ઢોંગી 25 વર્ષની દીકરીને લઈને ભાગી જાય છે.

કુંવરજી બાવળિયાએ બિલ રજૂ કર્યુ હતું: દાણીલીમડાના કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં બિલ ઉપર ચર્ચા દરમિયાન જણાવ્યું કે, વર્ષ 2012 ની 28 ફેબ્રુઆરીના રોજ ખાનગી બિલ તરીકે કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય અને હાલના પ્રધાન કુંવરજી બાવળિયાએ આ બિલ રજૂ કર્યું હતું. 15 માર્ચના રોજ આ બિલની ચર્ચા થઈ હતી. આ બિલની ચર્ચા એ સમયે તત્કાલીન ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ચર્ચા કરી હતી. એ સમયે તત્કાલીન ગૃહ મંત્રી પ્રફુલ પટેલે કહ્યું હતું કે, કાયદા પર્યાપ્ત છે એટલે આવા બિલની જરૂર નથી. એ સમયે એમણે કલમ પણ ટાંકી હતી અને બિલ નામંજૂર કર્યું હતું. એ સમયે પણ ભાજપ સરકાર હતી, મંત્રી પણ ભાજપના હતા, બે બિલ રજૂ કરનાર કોંગ્રેસના હતા જો કે આજે જે પણ કાળા જાદુ થયો અને આજે એ ભાજપમાં છે.

માનવ બલીમાં 11 મોત થયા હતા: એ સમયે બિલ પાસ ન થયું. ગુજરાતમાં બનેલી ઘટનાને યાદ કરીને જ્યારે ગૃહ રાજ્ય મંત્રી આ બિલ લઈને આવ્યા છે. ત્યારે આ બિલમાં કેટલીક બાબતો છે. વર્ષ 2008 અને 2024 ના બંને બિલનો અભ્યાસ કર્યો જેમાં ટૂંકી સંજ્ઞા, બિલમાં થોડી કલમ, નિયમની સત્તા, અપવાદ, ઉદ્દેશ અને કારણો લગભગ સરખા છે. એટલે આ બિલ જાણે 2008 નું પ્રાઇવેટ બિલ હોય એની સીધી કોપી કરવામાં આવી હોય તો પણ ખોટું નથી. 2008 ના ખાનગી બિલ અને આજનું ગુજરાત સરકારનું બિલ છે એમાં સામ્યતા એકસરખી છે. એ સમયની વિવિધ કલમ સીઆરપીસી 1973 નો કાયદો, 2023 નો રજૂ થયેલો કાયદો પણ ગુજરાત સરકારમાં લાગુ છે. સૌ પ્રથમ બિલ બિહાર રાજ્ય લાવ્યું હતું. આ બિલને આસ્થાની દ્રષ્ટિએ તેમજ અંધશ્રદ્ધા એમ બંને પાસાથી જોઈ શકાય. એસીઆરબીને આધારે વર્ષ 2020 માં મેલી વિદ્યાથી ભારતમાં 88 મોત થયા હતા. માનવ બલીમાં 11 મોત થયા હતા.

6 રાજ્યોમાં કાયદો અમલમાં છે: ગુજરાતમાં હત્યાના હેતુથી મેલી વિદ્યાને કારણે 2022 માં NCRBના આધારે છે. બાળક અને માનવ બલિ થઈ હોય એવો આંકડો 2022 માં ગુજરાતમાં 2 છે. 6 રાજ્યોમાં આ કાયદો અમલમાં છે, કેન્દ્ર અને રાજ્ય સરકારના કાયદા લાગુ જ છે. તેમ છતાં એ રાજ્યોમાં મોત થવાની ઘટના છે. સવાલ એ છે કે, બિલ પાસ થયા પછી જે રાજ્યોએ પોતાની ઈચ્છા દર્શાવી હતી કે મેલી વિદ્યા થી મોત ન થવા જોઈએ તેમ છતાં મોત થયા છે. આપણી પાસે કાયદા છે. એના અનુસંધાનમાં જોઈ શકાય છે કે 1954 ના એક્ટમાં અનેક જોગવાઈ છે. એમાં જાહેરાત બાબતની ખાસ જોગવાઈ છે. પોલીસ અધિનિયમ 1951 માં પણ સમાવેશ થયો છે. સીઆરપીસી 1973 ના કાયદામાં 1954 ના કાયદા કલમ 154 મુજબ ચોખ્ખું લખ્યું છે કે પોલીસ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ગુના અંગે કાર્યવાહી કરી શકે છે. એ વખતે મંત્રીએ એમ કહ્યું હતું કે, આ બિલ લાવવાથી રાજ્યને કોઈ ફાયદો થવાનો નથી.

2 બાળકોની બલી આસારામ આશ્રમ પાછળ લેવાઇ:302,307,323,324,342,354,500,506, 508 વગેરે જેવી કલમનો ઉલ્લેખ કરી અને કહ્યું હતું કે, આ તમામ કલમ ગુજરાતમાં અમલી હોવાથી આ બિલ જરૂરી નથી. ભારતીય દંડ સંહિતા 2023 માં પણ તમામ કલમનો ઉલ્લેખ છે. આ બિલ લાવ્યા છો એ બિલને સમર્થન છે. ધાર્મિક પ્રસંગ સમયે રમેલ, જાતર, માંડવો થતો હોય છે. બધા ધતીંગ કે ઢોંગી નથી હોતા. જે રીતે બનાસકાંઠામાં મોત થયું છે એવા જ બે બાળકોની બલિ આસારામ આશ્રમની પાછળ બલિ લેવાઈ હતી. જો એ સમયે સરકાર બિલ લાવી હોત તો આસારામ જયપુર ન હોત પણ સાબરમતી જેલમાં હોત. બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં બનાવ ઓછા બન્યા છે, તાંત્રિક વિધિ હોય, ધુણતા હોય, ભૂત વળગ્યું તો કયો કાયદો લાગુ પડશે ? કઈ કલમ લાગે ? રાજ્ય સરકારની કઈ દવા આપીશું ? એની તો કોઈ દવા નથી. ભૂત વળગ્યું અને જો પોલીસ એને પકડશે તો રાજ્યમાં વળગણ ઉતારનારાની સંખ્યા વધી જશે અને ભૂત વળગવાની સંખ્યા વધી જશે. આ પ્રકારની ધાર્મિક રીતે જોડાયેલી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના ડેટા પોલીસ પાસે હોવા જોઈએ. જેથી કોઈ બનાવ બને તે સમયે કામ લાગી શકે. મારી પર જ કાળી વિદ્યા કરવામાં આવી હતી, હું પણ એનો ભોગ બન્યો છું, મારી પર જ એક કોર્પોરેટરે કાળી વિદ્યા કરી હતી.

તાંત્રિકો દ્વારા લોકોને અંધશ્રધ્ધા દ્વારા કષ્ટ અપાય છે:જંબુસરના ભાજપ ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આ બિલને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં લખ્યું છે કે જ્યારે કાળા જાદુ પરેશાન કરે ત્યારે હનુમાન, ગાયત્રી પાઠ કરવો જોઈએ. આજના સમયમાં અઘોરી કે મંત્ર-તંત્રની જરૂર નથી. સૌથી વધારે જો મંત્ર-તંત્રનો જાદુ પરેશાન કરતો હોય તો એ ગરીબ અને વંચિત લોકોને છે. માનવ બલિદાન પણ લેવામાં આવે છે એ સંસ્કૃતિ માટે ધિક્કારને પાત્ર છે. આ બિલને સમર્થન કરું છું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં ભાજપમાંથી ચૂંટાઈ આવેલા સી. જે. ચાવડાએ ગૃહમાં વૈજ્ઞાનિક અભિગમની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, આપણે આવતા 10 વર્ષમાં રોબોટિક ક્રાંતિ કરવાના છે. પરંતુ હાલમાં કાળા જાદુ અને લોકોમાં સાયકોલોજીકલ વોરના કારણે તાંત્રિકો દ્વારા પૈસા કમાવવામાં આવે છે. તાંત્રિકો દ્વારા લોકોને અંધ શ્રદ્ધા દ્વારા કષ્ટ આપવામાં આવે છે જેથી આ કાયદો જરૂરી છે.

શિક્ષિત લોકો પણ કાળા જાદુનો ભોગ બને છે:પાટણના કોંગી ધારાસભ્ય ડો.કિરીટ પટેલે ગૃહમાં ચર્ચા દરમિયાન જણાવ્યું કે ખાલી અભણ લોકો જ આવી ઘટનાના ભોગ બને છે એવુ નથી. શિક્ષિત લોકો પણ આવી ઘટનાના ભોગ બને છે. અભણ લોકો તો કહી દેતા હોય પણ અધિકારી કે ધારાસભ્ય કોઈને કહે નહિ. આ બિલને મારું સમર્થન છે પણ એટલું કહીશ કે એક્શન જરૂરી છે. ઘણા કાયદા લાવ્યા પણ શું એ કાયદા લાવવાથી ગુજરાતમાં ગુનાનું પ્રમાણ ઘટ્યું? કાયદો લાવો પણ એનું અમલીકરણ, અને ઝડપી ન્યાય મળે એ જરૂરી છે. 5 એપ્રિલ 2020 ના રોજ રાત્રે 9 વાગ્યે અને 9 મિનિટે દીવા પ્રગટાવવા અને 22 માર્ચ 2021 ના રોજ કોરોના ભગાડવા થાળી વગાડવાની વાત થાય આ બધું શું છે ? અગાઉ બિલ લાવ્યા ત્યારે પણ કાયદા અમલી હતા અને હાલ પણ ભારતીય દંડ સંહિતામાં આ જોગવાઈ છે. જો બિલની કોપી કરવી જ હતી તો થોડા સુધારા - વધારા કરવા જોઈતા હતા. કલમ 5 માં તકેદારી અધિકારી નિમવાની વાત કરી છે પરંતુ એનું જ્યુરિડીક્શન કેટલું રહેશે એ ઉલ્લેખ નથી. કોર્ટની અંદરથી જામીન લેવાના થાય અને રીમાન્ડની જોગવાઈ થાય તો લોકોને છેતરનારા અને બની બેઠેલા લોકોમાં ડર પેદા થશે.

ટીવીમાં આવતી જાહેરાતથી લોકો છેતરાય છે:ટીવી ચેનલમાં જાહેરાત આવે છે. જેનાથી પણ લોકો છેતરાય છે તો એવી જાહેરાત પર પણ પ્રતિબંઘ લાવવામાં આવે. તુષાર ચૌધરી હમણાં જ કહેતા હતા કે મારા વિસ્તારમાં એક ભુવાજી છે. એ ભુવાજી વોટ્સએપ પર એવો મેસેજ કરે કે મારી પાસે દારૂ પીવાના રૂપિયા ખુટે છે. તો બીજા દિવસે એના ખાતામાં 15થી 17 લાખ રૂપિયા જમા થઈ જાય. ભુજના ભાજપ ધારાસભ્ય કેશુ પટેલે જણાવ્યું કે આ બિલને મારું સમર્થન આપી અને સ્વાકારું છું. બિલ કેમ લાવવું ? શું નુક્સાન છે ? વગેરે જેવી જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે. અનેક કિસ્સા એવા પણ છે કે જાહેર નથી થતા પણ લોકો જીવ ગુમાવે છે. જે વિધેયક લાવવામાં આવ્યું છે એનો હેતુ સિદ્ધ થાય. આ વિધેયકથી આવી પ્રવૃત્તિ કરનારા લોકો પર રોક લાગશે.

કાયદાનો ડર બેસાડવો જરુરી છે: કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર જણાવ્યું કે, આખા ઉત્તર ગુજરાતમાં ચૈત્ર, આસો મહિનામાં ઉત્તર ગુજરાતનો સર્વ સમાજ મા શક્તિની ઉપાસના કરી અને માંડવારૂપે આખી રાત મા શક્તિને આખી રાત લાડ લડાવે છે. ટુંકમાં કહીએ તો ઉત્તર ગુજરાતમાં જાતર અને રમેલ નામથી માની જાગરણ થાય છે. આ બિલને આવકારું છું પણ ઘણાં સામિયાણા બાંધ્યા હોય, લાખ કે બે લાખની મેદની હોય અને એમાં ચિઠ્ઠીમાં સમસ્યા લખાતી હોય એ પણ એક પ્રકારના કાળા જાદુ જ છે. આ કાયદો જ્યારે બની રહ્યો છે ત્યારે ક્યાંય એમ ન બને કે મગરમચ્છ બચે અને માછલી ફસાઈ જાય એની કાળજી રાખવી જરૂરી છે. કાયદાનો ડર બેસાડવો ખૂબ જરૂરી છે. બિલમાં ઉલ્લેખ છે કે તકેદારી કમિટી રચવામાં આવશે પણ ગૃહમાં કહી રહ્યો છું કે ગુજરાત પોલીસના કામમાં વિશાળ કામ છે ત્યારે આખું અલગ યુનિટ બને તો જનતા અંધશ્રદ્ધામાંથી બહાર નીકળશે

કાળા જાદુના ગુનામાં 7 વર્ષની જોગવાઇ છે:ડીસાના ભાજપ ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું કે, કાળા જાદુએ સમાજ જીવનની એક બદી છે ત્યારે આ વિધેયક લાવવું જરૂરી છે. ગુજરાતમાં આ શરૂઆત થતી હતી એને અટકાવવા માટે ગુજરાત સરકાર આ બિલ લાવી છે. એનસીઆરબીના ડેટામાં ગુજરાતનો સમાવેશ અત્યાર સુધી નહોતો પણ છેલ્લા 2-4 વર્ષમાં ગુજરાતમાં આ પ્રકારની ઘટના બની રહી છે ત્યારે આ ઘટના અટકાવવા માટે બિલ લાવી રહી છે. કેટલાંક લેભાગુ તત્વો વિવિધ બહાના હેઠળ ચોક્કસ લોકોને ટાર્ગેટ કરવા માટે અલગ અલગ રીતે લોભામણી જાહેરાત આપે છે. જેના કારણે અનેક પરીવાર બરબાદ થઈ જાય છે. કેરળમાં એક મહિલાએ દેવતાને ખુશ કરવા પોતાના દીકરાની બલિ આપવાની એક ઘટનાએ પણ આખા દેશમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું. આઈપીસીમાં આ પ્રકારે હત્યા થઈ હોય એ માટે જોગવાઈ નથી ત્યારે આ વિધેયક આવ્યા બાદ જોગવાઈ થશે. ડીસામાં પણ એક નાગરીકે છાપામાં જાહેરાત જોઈ અને ત્યાં ગયો હતો જ્યાં તેણે એક ચેક લીસ્ટ જોયું જેમાં વશીકરણ, મુઠ મારવાના અલગ અલગ ભાવ લખ્યા હતા. એ જાગૃત નાગરીકે પોલીસ ફરિયાદ કરતાં એ બંને લોકો આજે જેલમાં છે. આ ગુનામાં સાત વર્ષની જોગવાઈ છે ત્યારે આ વિધેયક સારું પુરવાર થશે.

કાળા જાદુ બાબતે લોકજાગૃતિ કેળવવી જરુરી છે:ઉંઝાના ભાજપ ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, લેભાગુ તત્વો જાદુ અથવા મંત્ર-તંત્ર બતાવીને લોકો પર પ્રભાવ પાડીને શોષણ કરે છે. ગણી વખત બલિ ચડાવવાની પણ ઘટના બને છે. આ બાબતે લોકજાગૃતિ કેળવવાની જરૂર છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિલ પર ચર્ચા દરમિયાન જણાવ્યું કે આ નવા કાયદા માટે મારા સાથી મિત્રોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. કાયદા બનાવવાથી કાળા જાદુ અટકતા નથી એમ હું માનું છું પણ 182 ધારાસભ્યને આવા દૂષણ દૂર કરવા માટે પ્રજાએ જવાબદારી આપી છે. ચૂંટાયેલા પ્રતિનિધી તરીકે આ જવાબદારી આપણા સૌની છે. ભુવાજીની વ્યાખ્યા છે સમાજના માન્યતા ધરાવતા મંદિરોમાં, સામાજિક અગ્રણી જેવા ભુવા અને આપણે જેને રોકવા માંગીએ છીએ એ બંને એક ગણતા હોઈએ તો અલગ વાત છે. ડાકણ કે ભુત વળગ્યું હોય તો સમાજની જે પ્રથા છે એ પ્રથા જાળવવા માટે ગયા હોય તો ખોટું નથી. દોરો બાંધવો, પીંછી મારવી, દીવો કરાવવો, પૂજા કરવી એને તથા વાળ બાંધીને લટાકવવા કે ગરમ સળીયા શરીર પર લગાડવા એની સરખામણી જ કેવી રીતે થાય ?

ભુવાઓ સમાજના શોષિત લોકોનો ફાયદો ઉઠાવે છે: આ બંને ઘટના અલગ છે. તમે જે ભુવાજી પાસે જાઓ છો એની પાસે તો આખું ગામ જાય છે પણ ભુવાજીના નામનો ઉપયોગ કરીને બની બેઠેલા ભુવા જેને માત્ર સમાજના શોષિત લોકોની તકલીફોનો લાભ ઉઠાવી વર્ષોની બચત વપરાઈ જાય, જીવન ગુમાવ્યા છે એ જીવન બચાવવા માટેનો આ કાયદો છે. નોંધણી કરવા માટેના જે સુચન છે એ યોગ્ય છે જેનાથી લોકો માહિતી પ્રાપ્ત થશે એ સુચનનું પાલન કરવામાં આવશે. ખાનગી બિલ લાવનારા લોકો જ અહીં આવી ગયા છે. એ બિલમાં બદલાવ એ છે કે સાચા ભુવાજી અને ખોટા ભુવાજી અંગેની માહિતી છે જેમાં પોલીસની દખલઅંદાજી અંગેની વાત પણ નક્કી કરવામાં આવી છે. જે બિલ હતું એમાં ધર્મ અને અધર્મ એક થતું હતું જ્યારે આ બિલમાં ધર્મ અને અધર્મ બંને અલગ છે. કિરીટ પટેલે મહારાષ્ટ્ર અને કેરળના બિલ વાંચ્યા છે પણ ગુજરાતના બિલના અમૂક પાના વાંચ્યા નથી. આ કાયદાની કલમ 3 માં કાળા જાદુનો કોઈ પણ રીતે પ્રચાર નથી કરી શકતા, વિજીલન્સ અધિકારીના જ્યુરીડિક્શન અંગેની સ્પષ્ટતા કરી છે. એ સિવાય પણ જે સૂચન આવ્યા છે એનો અભ્યાસ કરી તેનો ઉમેરો કરવા વિચાર કરીશું.

અંધશ્રદ્ધા રોકવા વિધાનસભા ખરડો લાવી રહી છે: ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાને લઈને રાજ્ય સરકારે અંધશ્રદ્ધા અને કાળા જાદુ સામે વિશેષ કાયદો લાવી દેશનાં ઘણાં રાજ્યોમાં અંધશ્રદ્ધા આધારિત ગતિવિધિને રોકવા અને લોકોને તેનો ભોગ બનતા અટકાવવા માટેના કાયદા અમલમાં મુકાયેલા છે. આવા કાયદાની માગણી સાથે હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટના આદેશથી ગુજરાત સરકારે વિધાનસભા સત્રમાં અંધશ્રદ્ધાને આધારે થતી ગતિવિધિઓ રોકવા માટેનો ખરડો લાવી રહી છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ દ્વારા આ અગાઉ કેટલાંય વર્ષોથી સરકારને લેખિતમાં રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમ છતાં આ અંગે સરકાર દ્વારા કોઈ કાયદો ન બનાવતા સંસ્થાએ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી હતી.

મેલી વિદ્યાના નામે પાખંડીઓ લોકોને છેતરે છે: ગુજરાતમાં અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે કાયદો બનાવવા માટે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા વર્ષ 2009થી સરકારને રજૂઆત કરવામાં આવતી હતી. છેલ્લાં 15 વર્ષથી આ અંગે અલગ-અલગ જગ્યા પર રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતાં અંતે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરી હતી. રાજ્યમાં અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાના નામે તાંત્રિકો, ભૂવાઓ , પાંખડીઓ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. અંધશ્રદ્ધાને કારણે હત્યા, બળાત્કાર, અપહરણ, બાળકોને ડામ આપવા જેવી ઘટનાઓ બને છે. જે ઘટનાઓ રોકવા માટે રાજ્યમાં કાયદાની જરૂર છે. સંસ્થાએ આ પિટિશન મારફતે માગણી કરી છે કે ગુજરાતમાં સરકારે અંધશ્રદ્ધા રોકવા “પ્રિવેન્શન ઑફ બ્લૅકમૅજિક ઍન્ડ હ્યુમન સેક્રિફાઇસ ઍન્ડ અધર ડેવીલ ઍન્ડ ઇનહ્યુમન ઍન્ડ અઘોરી પ્રૅક્ટિસિસ” અંગેનો કાયદો બનાવવો જોઈએ.

તાંત્રિક વિધિઓના નામે બાળકો અને સ્ત્રીઓની બલી: સરકારના ગૃહવિભાગ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફિડેવીટ રજૂ કરવામાં આવી હતી. ઍફિડેવિટમાં જણાવ્યા અનુસાર, “ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં ગૉડમૅન, અઘોરી, ભૂવાઓ તરીકે કામ કરતાં કપટકારો દ્વારા ગેરકાયદેસર તાંત્રિક પ્રવૃત્તિઓ જેમાં તાંત્રિકવિધિઓને કારણે સ્ત્રીઓ અને નાનાં બાળકોનો બલિ ચઢાવવામાં આવે છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન, છત્તીસગઢ અને આસામ જેવાં રાજ્યોમાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટેનો કાયદો છે. ગુજરાતમાં કાળાજાદુ અને અઘોરીપ્રથા જેવી અમાનવીય પ્રવૃત્તિઓને રોકવા માટે કોઈ કાયદો નથી. જેથી આગામી વિધાનસભા સત્રમાં કાળાજાદુ અને અઘોરીપ્રથા જેવી અમાનવીય પ્રવૃતિઓને કાબૂમાં લેવા માટેનો ખરડો લાવવામાં આવશે. વિધાનસભામાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો પાસ થઈ જતા સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવામાં મદદ મળશે.

  1. વ્યારાના પનિયારી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં અપાય છે, જીવાતવાળા ચણા - Bad chickpeas from the grain store
  2. મજૂરોને હેરાન કર્યા વગર અવરજવર કરવા દેવાની અવેજમાં કસ્ટમના હેડ કોન્સ્ટેબલે માંગી લાંચ, ACBએ ઝડપી પાડ્યો - ACB arrested in Bribe case

ABOUT THE AUTHOR

...view details